તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
સોશિયલ મીડિયા સ્ટાર 'ગુજ્જુ લવગુરુ' ચંદન રાઠોડના માર્ગ અકસ્માતમાં થયેલા કરુણ મોતના બે દિવસ બાદ પોલીસ ફરિયાદ દાખલ: અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
મૃત્યુના થોડા કલાકો પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેમની છેલ્લી પોસ્ટ બની ગઈ અર્થસભર: ૧.૮ મિલિયનથી વધુ ચાહકો ધરાવતા લોકપ્રિય કલાકારના આકસ્મિક નિધનથી સમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોકની લહેર

ભાભર : સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવગુરુ' તરીકે અઢળક લોકપ્રિયતા મેળવનાર સૂઈગામના કોમેડી કિંગ ચંદન રાઠોડના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક નિધનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભાભર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચંદન રાઠોડના મોતના બે દિવસ બાદ પરિવારજનો દ્વારા ભાભર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે ઉચોસણ ગામના બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેને કારણે આ દુર્ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ગત ૧૭ તારીખે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ 'ગુજ્જુ લવગુરુ' ઉર્ફે ચંદન ધેગાભાઈ રાઠોડ પોતાનું બાઈક લઈને સૂઈગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાભર-સૂઈગામ હાઈવે પર આવેલી હરિધામ ગૌશાળા નજીક સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક બાઈક સાથે તેમનું વાહન ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચંદન રાઠોડને તાત્કાલિક ભાભરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. શરૂઆતમાં માત્ર એક જ બાઈક મળવાને કારણે વાહન સ્લીપ થઈ ગયાની ચર્ચાઓ હતી, પરંતુ અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ પરિવારે કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા હતા.
મૃત્યુના થોડા કલાકો પહેલાની છેલ્લી પોસ્ટ બની ગઈ ભાવુક ક્ષણ
ઇન્સ્ટાગ્રામ પર ૧.૮ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા ચંદન રાઠોડે અકસ્માતના થોડા જ કલાકો પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે, "જેનો કોઈ ભરોસો નથી, તેનું નામ જિંદગી અને જેનો ૧૦૦ ટકા ભરોસો છે તેનું નામ મોત." કુદરતનો સંજોગ એવો રહ્યો કે તેમનો આ જ વીડિયો જીવનનો આખરી સંદેશ બની ગયો. યુવા કલાકારના અચાનક ચાલ્યા જવાથી તેમના પરિવાર, મિત્રો અને લાખો ચાહકોમાં ઊંડું દુઃખ વ્યાપી ગયું છે, અને પોલીસે પણ આ મામલે કડક તપાસ શરૂ કરી છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
