News of Tuesday, 21st April 2026
સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ રાઉન્ડ ધી કલોક એક્ટિવ
સોશિયલ મીડિયાના કોઇ પણ પ્લેટફોર્મ પર વિવાદાસ્પદ પોસ્ટ થાય તો તરત જ ડિલિટ કરી પગલાં લેવાશે : કોઇપણ સમાજની ધાર્મિક કે સામાજિક લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી લેવાઇ રહી છે

અમદાવાદ,તા.૨૧: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે ત્યારે જ સોશિયલ મીડિયાના કોઇપણ પ્લેટફોર્મ પર કોઇપણ જાતી-સમાજ કે ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ વાયરલ ન થાય તે માટે પોલીસનું સોશિયલ મીડિયા મોનિટરિગ સેલ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. હાલ રાઉન્ડધી ક્લોક સોશિયલ મીડિયા મોનિટરિગ સેલની ટીમ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. કોઇ વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થાય કે લખાણ પોસ્ટ થઇ જાય તો તરત જ તેને સોશિયલ મીડિયા પરથી હટાવી લેવા ઉપરાંત આ પોસ્ટ કરનાર સામે ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હાલમાં જ ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની સ્થાનિક વિસ્તારના રિઝવાન અને સમીર નામના બે યુવકોએ સામાન્ય તકરારમાં છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લઇને ઉશ્કેલાઇ ગયેલા લોકોને ટોળાએ તોડફોડ કરી હતી. જોકે, હત્યાની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડે તે પહેલા જ પોલીસે સોશિયલ મીડિયા પર વોચ રાખી વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થાય નહીં અને શાંતિ ડહોળાય નહીં તેની તકેદારી રાખી હતી. હજુ પણ આ ઘટનાને લઇને કોઇ વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ગત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ અમદાવાદ ગ્રામ્યમાં કિશન ભરવાડ નામના યુવકની પણ મુસ્લિમ યુવકોએ હત્યા કરી હતી ત્યાારે પણ સોશિયલ મીડિયા મોનિટરિગ સેલ દ્વારા આ ઘટનાને લઇને રાજ્યભરમાં કોઇ વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થાય નહીં તેની તકેદારી લેવામાં આવી હતી. હાલ ડીજીપી ઓફિસથી કાર્યરત સોશિયલ મીડિયા મોનિટરિગ સેલ સાથે સાયબર ક્રાઇમ બ્રાંચ અને ક્રાઇમ બ્રાંચ, તમામ જિલ્લા પોલીસ અને રેન્જની ટીમ પણ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે.
વર્તમાન સમયમાં દેશ વિરોધી તત્વો અને જુદા જુદા આતંકવાદી સંગઠનો કે તેમને સપોર્ટ કરતી ટુકડીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સતત વોચ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ શમા પરવીન નામની એક યુવતીને પોલીસે ઝડપી લીધી હતી. તેનું કામ દેશ વિરોધી અને આતંકવાદી તત્ત્વોને સપોર્ટ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનું હતું. તેની પાસેથી ઘણું દેશ વિરોધી સાહિત્ય પણ મળી આવ્યું હતું. જ્યારે તેના જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા એકાઉન્ટસ પણ હતા. આવી આખી ટીમ હાલ એક્ટિવ છે. આ ઉપરાંત આઇએસઆઇએસના પ્રભાવમાં આવીને એક યુવતી સિરિયા જવા માટે તૈયાર થઇ ગઈ હતી. પોલીસની ટીમે તેને પણ આઇડેન્ટિફાઇ કરી બચાવી લીધી હતી.
સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મ પર વિવાદાસ્પદ પોસ્ટ થાય તો તરત જ પોસ્ટ ડિલિટ કરી દેવામાં આવશે અને પોસ્ટ કરનાર સામે પગલાં લેવાશે. શહેરીજનો પણ આવી વિવાદાસ્પદ પોસ્ટની જાણ પોલીસને કરી શકે છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
