<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

સરકારી વિનયન કોલેજ કવાંટ ખાતે મળી સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ મીટ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો છોટાઉદેપુરના લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ

સોશ્યલ મીડિયાના માધ્યમથી આદિવાસી સંસ્કૃતિ, ઉત્સવો અને પર્યટન સ્થળોને મહત્તમ ઉજાગર કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની છોટા ઉદેપુરના સોશિયલ મીડિયા ઇન્ફ્યુઅન્સર્સને અપીલ: સોશિયલ મીડિયા ઇન્ફ્યુઅન્સર્સને તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ વડે સમાજ ઉપયોગી કાર્યોમાં યોગદાન આપવા અપીલ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકારની વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓના લાભની માહિતીનો મહત્તમ પ્રચાર પ્રસાર કરો અને કોઈના જીવનની સફળતાનું નિમિત્ત બનો: હર્ષ સંઘવી

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટ સરકારી વિનયન કોલેજ ખાતે છોટાઉદેપુરના લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ કરી આ જિલ્લાના વિકાસલક્ષી કાર્યોના સંવાહક બનવા અપીલ કરી હતી.

 સંઘવીએ તમામ ઇન્ફ્યુઅન્સર્સને સોશ્યલ મીડિયાના માધ્યમથી આદિવાસી સંસ્કૃતિ, ઉત્સવો અને પર્યટન સ્થળોને મહત્તમ ઉજાગર કરવા કહ્યું હતું.  તેમણે કવાંટના સુપ્રસિદ્ધ ગેર મેળાને યોગ્ય જન જાગૃતિ દ્વારા વૈશ્વિક ફલક પર પ્રસિદ્ધિ અપાવવા અનુરોધ કર્યો હતો.

 હર્ષ સંઘવીએ છોટા ઉદેપુર જિલ્લાના ભૌગોલિક લાક્ષણિકતા અને સૌંદર્યને ઉજાગર કર્યું હતું અને આ પ્રદેશને ટુરીઝમ હબ તરીકે વિકસાવવા સૌને સાથે મળીને પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે છોટાઉદેપુરમાં ટુરીઝમ ડેવલોપમેન્ટથી સ્થાનિક અર્થતંત્રને પ્રબળ વેગ મળશે અને નાના કારીગરો, સ્વરોજગાર સાથે સંકળાયેલી મહિલાઓ, કલાકારો સહિતના લોકોના જીવનમાં સમૃદ્ધિ આવશે. સંઘવી આ માટે છોટાઉદેપુરના ગામડાઓમાં 'હોમ સ્ટે'નું શરૂ કરવાનો પણ સુઝાવ આપ્યો હતો અને વહીવટી તંત્ર અને યુવાઓને સાથે મળીને એક ગામ નક્કી કરવા કહ્યું હતું અને આ પ્રક્રિયામાં આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ સૌ યુવા ઈન્ફ્લુઅન્સર્સને છોટા ઉદેપુરને ડેવલપ કરવા માટેનાં સુઝાવો માંગ્યા હતા. જેમાં, કનુ રાઠવા, અનંત રાઠવા, પાર્થ પટેલ સહિતના અન્ય યુવાઓએ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પ્રવાસન, રમત ગમત અને ઈન્ડસ્ટ્રી અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના સુઝાવો, પ્રતિભાવો અને આકાંક્ષાઓ વ્યક્ત કરી હતી.  
આ બાબતે શ્રી સંઘવીએ તમામ પ્રશ્નો બાબતે સકારાત્મક જવાબ આપ્યા હતા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકારની વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓના લાભની માહિતીનો મહત્તમ પ્રચાર પ્રસાર કરી કોઈના જીવનની સફળતાનું નિમિત્ત બનવા સૌને અપીલ કરી હતી.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે મહત્વપૂર્ણ ટકોર કરતા જણાવ્યું હતું કે સરકારની કામગીરીમાં કમી રહે ત્યાં ટીકાઓના માધ્યમ થી ધ્યાન દોરવું એ ખરાબ નથી પરંતુ ફક્ત ટીકા પૂરતું અને રીલ સુધી સીમીત ના રહેતા ઇન્ફ્યુઅન્સર્સને પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરી સમાજ ઉપયોગી કાર્યોમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડો. મુકેશ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા

(9:34 PM IST)