News of Wednesday, 22nd July 2026
અમદાવાદમાં દીપડા દેખાયાની ઘટના બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું પૂર : સામાજિક વનીકરણ વિભાગની નાગરિકોને ફેક વિડિયોથી ન ગભરાવા અને સત્યતા ચકાસીને જ વિશ્વાસ કરવા ખાસ અપીલ
ઘુમાની શરણ દીપ સોસાયટીમાં દીપડો દેખાતા વન વિભાગની ટીમ ૨૦થી વધુ ગાર્ડ, વેટનરી ડોક્ટર અને પાંજરા સાથે તૈનાત : ચાંદખેડામાં દીપડો રેસ્ક્યુ કરાયાનો વાયરલ વિડિયો અન્ય રાજ્યનો અને જૂનો હોવાની સ્પષ્ટતા : માત્ર સત્તાવાર માહિતી ધ્યાને લેવા તંત્રનો અનુરોધ

અમદાવાદ:અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક અખબારી યાદી બહાર પાડીને નાગરિકોને દીપડા અંગે સોશિયલ મીડિયા પર ફરતી ખોટી અફવાઓથી ન ગભરાવા અને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. નાયબ વન સંરક્ષક (DCF), અમદાવાદ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર ફરતા વિડિયોની સત્યતા ચકાસ્યા વિના તેને વાયરલ ન કરવા અને ખોટી અફવાઓ ન ફેલાવવી.
ગત તારીખ ૨૦/૭/૨૦૨૬ના રોજ વહેલી સવારે ઘુમા વિસ્તારમાં આવેલી શરણ દીપ સોસાયટીમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સઘન રેકી કરવામાં આવી છે અને દીપડાને પાંજરે પૂરવા માટે યોગ્ય સ્થળોએ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. હાલમાં વન વિભાગના વેટનરી ડોક્ટર, રેસ્ક્યુઅરની વિશેષ ટીમ અને ૨૦થી વધુ ગાર્ડ તથા ફોરેસ્ટરની ટીમ તમામ જરૂરી સાધન સામગ્રી સાથે ઘટનાસ્થળે ઉપસ્થિત રહીને ઘનિષ્ઠ તપાસ ચલાવી રહી છે.
નાયબ વન સંરક્ષકે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, દીપડો સામાન્ય રીતે સાંજે અને રાતના સમયે જ બહાર નીકળતો હોય છે. તે મૂળભૂત રીતે શરમાળ પ્રાણી છે અને માનવ તેનો કુદરતી ખોરાક નથી. જેથી લોકોએ ખોટો ડર રાખવાની જરૂર નથી, પરંતુ જરૂરી સાવચેતી અને સતર્કતા રાખવી ચોક્કસપણે આવશ્યક છે. વન વિભાગની આખી ટીમ સંપૂર્ણપણે સતર્ક અને સજ્જ છે.
દરમિયાન ગત રાત્રે સોશિયલ મીડિયા પર "ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો" તેવો એક વિડિયો વાયરલ થયો હતો. વન વિભાગે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ પણ એક તદ્દન ખોટી અફવા હતી. વાયરલ થયેલો વિડિયો અન્ય કોઈ રાજ્યનો અને ખૂબ જૂનો છે, જેને અમદાવાદીઓ સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. વનીકરણ વિભાગે લોકોને વિનંતી કરી છે કે આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું અને માત્ર વન વિભાગની સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
