<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સુરતના વરાછા વિસ્તારમાં 14 લાખની હનીટ્રેપના કેસમાં ફરાર સામાજિક અગ્રણી પ્રવીણ ભાલાળાની ધરપકડ

આરોપીએ એક યુવતી સાથે મળી પોતાના જ મિત્રને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા:માર્ચ 2025માં મહિલાની ધરપકડ બાદ પ્રવીણ ભાલાળા 16 મહિના સુધી ફરાર હતો.

સુરતમાં ચકચાર મચાવનારા હનીટ્રેપ કાંડમાં વરાછા પોલીસે મોટી સફળતા મેળવી છે. લાંબા સમયથી ફરાર ચાલી રહેલા શહેરના સામાજિક અગ્રણી પ્રવીણ ભાલાળાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 16 મહિના અગાઉ ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે આરોપીને દબોચી લીધો છે. નોંધપાત્ર છે કે, ભોગ બનનાર યુવક ખુદ આરોપી પ્રવીણ ભાલાળાનો મિત્ર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેના કારણે આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

આરોપી પ્રવીણ ભાલાળાએ એક યુવતી સાથે મળીને હનીટ્રેપનું ગંભીર ષડયંત્ર રચ્યું હતું. આ ટોળકીએ એક યુવકને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી કુલ 14 લાખ રૂપિયા પડાવ્યા હતા. માર્ચ 2025માં વરાછા પોલીસે આ કેસમાં મહિલા આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ ત્યારથી પ્રવીણ ભાલાળા ફરાર હતો. 16 જુલાઈના રોજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પ્રવીણ ભાલાળાને ઝડપી પાડ્યો છે.

આ કિસ્સો એટલા માટે વધુ ચોંકાવનારો છે કારણ કે, જે યુવકને હનીટ્રેપમાં ફસાવીને આર્થિક રીતે લૂંટવામાં આવ્યો હતો, તે આરોપી પ્રવીણ ભાલાળાનો મિત્ર જ હતો. સામાજિક અગ્રણી હોવાની આડમાં મિત્ર સાથે જ આવો વિશ્વાસઘાત આચરનારા આરોપીની ધરપકડ બાદ પોલીસ હવે તેને રિમાન્ડ પર લઈને આ હનીટ્રેપ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં તપાસ તેજ કરશે.

(9:19 PM IST)