<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ગાંધીનગરના માણસા માર્કેટયાર્ડમાં તસ્કરોનો તરખાટ, એક રાતમાં 17થી વધુ દુકાનોના તાળા તૂટ્યા

વેપારીઓમાં ફફડાટ: રોકડ અને કિંમતી સામાનની ચોરીની આશંકા, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

ગાંધીનગર, તા.૧૮

ગાંધીનગર જિલ્લાના માણસા માર્કેટયાર્ડમાં તસ્કરોએ એક જ રાતમાં તરખાટ મચાવ્યો છે. માર્કેટયાર્ડની 17થી વધુ દુકાનોના શટરના તાળા તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

 

શુક્રવારે રાત્રે બનેલી આ ઘટનામાં તસ્કરોએ માર્કેટયાર્ડની વિવિધ દુકાનોને નિશાન બનાવી હતી. શનિવારે સવારે વેપારીઓ દુકાનો ખોલવા આવતા ઘટનાની જાણ થઈ હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં દુકાનોના તાળા તૂટતા વેપારી આલમમાં રોષની સાથે ભયનો માહોલ છે.

 

પ્રાથમિક માહિતી મુજબ તસ્કરો રોકડ રકમ અને કિંમતી સામાન ઉઠાવી ગયા હોવાની આશંકા છે. જોકે ચોરીનો ચોક્કસ આંક હજુ જાણવા મળ્યો નથી. ઘટનાની જાણ થતા જ માણસા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

 

પોલીસે માર્કેટયાર્ડમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. એક જ રાતમાં 17 દુકાનો તૂટવાની ઘટનાને પગલે રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. વેપારીઓએ પોલીસ પાસે રાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની અને તસ્કરોને ઝડપી પાડવાની માગ કરી છે.

 

પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(4:01 PM IST)