News of Thursday, 21st May 2026
અમદાવાદના નિકોલ વિસ્તારમાં SMCના દરોડા :ઓનલાઈન IPL સટ્ટા રેકેટનો પર્દાફાશ: વિજયકુમાર કરડાણીની ધરપકડ
દરોડા દરમિયાન મોબાઇલ, ટેબલેટ, બેંક દસ્તાવેજો અને કાર સહિત રૂ.15.73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં SMCએ મોટી કાર્યવાહી કરતા ઓનલાઈન IPL ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. નિકોલના સૃષ્ટી લેવીસ ફ્લેટમાં ચાલી રહેલા સટ્ટા નેટવર્ક પર દરોડો પાડી પોલીસે આરોપી વિજયકુમાર કરડાણીની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન મોબાઇલ, ટેબલેટ, ટીવી, બેંક કાર્ડ, ચેકબુક અને કાર સહિત કુલ 15.73 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે IPL મેચો પર ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હતો.
SMCની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વોટ્સએપ ગ્રુપ અને વર્ચ્યુઅલ નંબર મારફતે સમગ્ર સટ્ટા નેટવર્ક સંચાલિત કરતો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીનું દિલ્હી કનેક્શન પણ સામે આવ્યું છે. રાજવીરસિંહ નામના વ્યક્તિ પાસેથી સટ્ટાની આઈડી મેળવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર નેટવર્ક ટેકનોલોજી આધારિત રીતે સંચાલિત થતું હોવાનું પોલીસ માની રહી છે.
તપાસ દરમિયાન “મ્યુલ એકાઉન્ટ” મારફતે હારજીતના નાણાં ટ્રાન્સફર થતા હોવાની માહિતી સામે આવી છે. આરોપી દ્વારા પત્ની, સગા-સંબંધીઓ અને અન્ય લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ બહાર આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 26 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ હવાલા અને આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફરના એંગલથી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
