<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વડોદરામાં SMCનો સપાટો: દમણથી આઇસર ટેમ્પોમાંથી લવાતો 25 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

પોલીસે દારૂના જથ્થા સહિત રૂ. 10 લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળીને કુલ રૂ. 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો :ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા ટેમ્પોના ચાલકની પણ સ્થળ પરથી અટકાયત

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વડોદરામાં એક મોટી સફળતા મેળવી છે. દમણથી બૂટલેગરો દ્વારા આઇસર ટેમ્પોમાં છુપાવીને લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જંગી જથ્થો પોલીસે ઝડપી પાડીને રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ સપાટો બૂટલેગરોમાં ફફડાટ ફેલાવી ગયો છે.

 

SMCની ટીમને બાતમી મળી હતી કે દમણ તરફથી એક આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે, જેના આધારે પોલીસે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારથી જ કડક વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન વર્ણન મુજબનો શંકાસ્પદ ટેમ્પો પસાર થતાં જ સતર્ક પોલીસે તેને ચારેય તરફથી આંતરી લીધો હતો અને તેની સઘન તલાશી શરૂ કરી હતી. ટેમ્પોની અંદર તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં ગુપ્ત રીતે છુપાવેલો અંદાજે રૂ. 25 લાખની ઊંચી કિંમતનો વિદેશી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 

 

પોલીસે દારૂના આ જથ્થા સહિત રૂ. 10 લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળીને કુલ રૂ. 35 લાખનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જ જપ્ત કરી લીધો છે. આ સાથે જ ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા ટેમ્પોના ચાલકની પણ સ્થળ પરથી અટકાયત કરી લેવામાં આવી છે. પકડાયેલા આરોપી અને તમામ મુદ્દામાલને આગળની કાયદેસરની કડક તપાસ માટે અટલાદરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે કે દારૂનો આ આખો જથ્થો વડોદરામાં કયા સ્થાનિક બૂટલેગરને મોકલવાનો હતો અને આ ગુનાહિત પાયલોટિંગમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.

(7:33 PM IST)