તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
અરવલ્લીના મોડાસા રૂરલમાં એસએમસીના પીએસઆઈ સી.કે.સિસોદિયાની સફળ રેડ : ડામરના ટેન્કરમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ₹28 લાખથી વધુનો ૨૩૭૬ બોટલ વિદેશી દારૂ સાથે સુખરામ બિશ્નોઈ ઝડપાયો
શામળાજી રતનપુર બોર્ડર થઈને હિંમતનગર તરફ જતું દારૂ ભરેલું આખું ટ્રક કન્ટેનર એસએમસીની ટીમે રાજેન્દ્રનગર ચોકડી ટોલનાકા પાસેથી દબોચ્યું : દિનેશ બિશ્નોઈ અને ભવરારામ બિશ્નોઈ સહિત પાંચ વોન્ટેડ

મોડાસા: ગુજરાતમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી કે.એ.એન.રાવ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે એજન્સીની ટીમોએ વધુ એક મોટા આંતરરાજ્ય દારૂના રેકેટનો પર્દાફાશ કર્યો છે. એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સી.કે.સિસોદિયાને તારીખ ૨૨ મે ૨૦૨૬ ના રોજ એક અત્યંત વિશ્વસનીય અને અંગત બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે, રાજસ્થાન રાજ્યના બીંછીવાડા તરફથી અરવલ્લી જિલ્લાની શામળાજી રતનપુર બોર્ડર થઈને એક ટ્રક ટેન્કર વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને હિંમતનગર તરફ જઈ રહ્યું છે.
આ સચોટ માહિતીના આધારે એસએમસીના પીએસઆઈ સી.કે.સિસોદિયા અને તેમના સ્ટાફે પંચોને સાથે રાખીને રાજેન્દ્રનગર ચોકડી નજીક વાટડા ગામની સીમમાં આવેલા ટોલનાકા પાસે વહેલી સવારથી જ કડક વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબનું જીજે-૧૦-એક્સ-૮૯૭૭ (GJ-10-X-8977) નંબરનું ટ્રક કન્ટેનર ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને અટકાવ્યું હતું. પોલીસ ટીમે ટ્રકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની કુલ ૨,૩૭૬ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૨૮,૪૮,૮૦૦ થાય છે. પોલીસે આ દારૂનો જથ્થો, ટ્રક કન્ટેનર અને અન્ય સાધનો મળીને કુલ રૂપિયા ૪૩,૬૨,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ઘટનાસ્થળેથી ટ્રકના ડ્રાઇવર સુખરામ રૂઘનાથરામ છોટુરામ બિશ્નોઈ (રહે. ઝાલોર, રાજસ્થાન) ની ધરપકડ કરી લીધી છે.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં બૂટલેગરોની દારૂની હેરાફેરી કરવાની એક અનોખી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી (પદ્ધતિ) સામે આવી છે. પકડાયેલું ટ્રક કન્ટેનર વાસ્તવમાં રોડ બનાવવાના ડામરના ઉપયોગ માટેનું ટેન્કર હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બૂટલેગરોએ ટેન્કરનું ઉપરનું ઢાંકણું ખોલતા તેમાં એકાદ ફૂટ જેટલો અસલી ડામર ભરી રાખ્યો હતો જેથી કોઈને શંકા ન જાય. જોકે, પોલીસે ટેન્કરની બારીકાઈથી તપાસ કરતા તેના સાઈડના ભાગે લોખંડનું એક આખું અલગ ગુપ્ત બોક્સ (ખાનું) બનાવેલું મળી આવ્યું હતું. આ છુપા ખાનાને ખોલતા જ અંદરથી વિદેશી દારૂની પેટીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ જ ટ્રક કન્ટેનર વર્ષ ૨૦૨૩ માં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયું હતું, જે ફેબ્રુઆરી ૨૦૨૬ માં કોર્ટમાંથી છૂટ્યા બાદ બૂટલેગરોએ ફરીથી દારૂની હેરાફેરીમાં વહેતું કરી દીધું હતું.
પકડાયેલા ટ્રક ડ્રાઇવર સુખરામ બિશ્નોઈની પંચોની રૂબરૂમાં કરવામાં આવેલી સઘન પૂછપરછ દરમિયાન આ રેકેટમાં સંડોવાયેલા અન્ય પાંચ મોટા માથાઓના નામોનો ખુલાસો થયો છે. જેમાં રાજસ્થાનના સાચોરના વતની અને દારૂનો જથ્થો મોકલનાર દિનેશ જયરામ બિશ્નોઈ અને ભવરારામ ઉર્ફે ભાકરારામ બિશ્નોઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પંજાબના ભટીંડા ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર શખ્સ, ગુજરાતના રાજકોટ ખાતે આ દારૂ મંગાવનાર સ્થાનિક બૂટલેગર અને ટ્રક ટેન્કરના અસલી માલિક સહિત કુલ ૫ બૂટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ એસએમસી દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે તારીખ ૨૩ મે ૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ વાગ્યે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨) અને ૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આગળની ચક્રો ગતિમાન કર્યા છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
