<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં SMCની બેઠક મળી: શિક્ષણની ગુણવત્તા વધારવા મહત્વના મુદ્દાઓ પર મંથન

વાલી-શાળા સંકલન મજબૂત બનાવવા SMC સમિતિ સક્રિય, વિકાસના એજન્ડા પર વિસ્તૃત ચર્ચા

(ભરત શાહ દ્વારા )નર્મદા:પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શાળાના શૈક્ષણિક વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તેમજ શાળા અને વાલીઓ વચ્ચેનાસુમેળને વધુ મજબૂત બનાવવા જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    બેઠકની શરૂઆતમાં ગયા વર્ષના SMC ઠરાવોના અનુસંધાનમાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા અંગે ચર્ચા કરીને સમિતિની સહમતિ મેળવવામાં આવી હતી.
  આ ઉપરાંત પીએમ યોજના અંતર્ગત હાથ ધરાનારી પ્રવૃત્તિઓ અને તેના આયોજન અંગે સભ્યોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત અને નવીન શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવા અંગે વિવિધ સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં શિક્ષણ પરીક્ષણ અને શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટેની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોમાં વધુ સુધારો લાવી શકાય.
 શાળાના આચાર્ય માધવસિંહ વસાવા દ્વારા SMC સમિતિના સભ્યોને સમિતિની ભૂમિકા, જવાબદારીઓ અને શાળાના વિકાસમાં સક્રિય સહભાગિતાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શાળાનો સર્વાંગી વિકાસ શિક્ષકો, વાલીઓ અને SMC સમિતિના સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બને છે.
  આ બેઠકમાં SMC સમિતિના અધ્યક્ષ સહિત સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શાળાના હિતમાં રચનાત્મક સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા શાળાના સર્વાંગી વિકાસ માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો

(1:03 PM IST)