<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

વલસાડના પારડીમાંથી SMCનો ત્રાટકો: ₹૫.૯૦ લાખના વિદેશી દારૂ સાથે ૧૯.૮૬ લાખનો મુદ્દામાલ ઝડપાયો

​ ​સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમ દ્વારા કલસરગામ ચોકી ફળીયામાં દરોડો: દારૂની ૨૦૫૧ બોટલ, ૧૦ વાહનો અને ૨ મોબાઇલ કબ્જે ​૧ આરોપીની સ્થળ પરથી ધરપકડ, ૨ મહિલાઓને નોટીસ પાઠવાઈ જ્યારે દમણના બુટલેગર સહિત ૩ વોન્ટેડ જાહેર

​ગાંધીનગર / વલસાડ: ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) જી.એસ. મલિક દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. જેના સંદર્ભમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમો સતત પેટ્રોલિંગ અને સઘન તપાસમાં છે.  

​આ કામગીરી દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઈન્સપેક્ટર એ.વાય. બલોચ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસરગામ, ચોકી ફળીયા ખાતે જાહેર રોડ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. SMCની ટીમે સફળ રેઇડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની આશરે ૬૦ પેટીઓ (કુલ ૨૦૫૧ બોટલ/ટીન) કિંમત રૂ. ૫,૯૦,૭૪૮/- નો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત સ્થળ પરથી ૧૦ જેટલા વાહનો અને ૨ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૯,૮૬,૨૮૪/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.  

​આ દરોડા દરમિયાન પોલીસે બિહાર મૂળના અને હાલ ઉદવાડા ખાતે રહેતા સંજય ઉર્ફે સંજય ભયો અશોક સીંગ નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ૨ મહિલા આરોપીઓને સીઆરપીસી/બીએનએસએસ હેઠળ નોટીસ પાઠવવામાં આવી છે. આ સિવાય દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર દમણના બિપીન પટેલ, ઓરવાડના કપીલ ભંડારી અને કુનાલ પટેલ નામના ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.  
​આ અંગે વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:05 PM IST)