<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

બપોરે 4 વાગ્યાની પરિસ્થિતિએ રાજ્યના ૧૯ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ વચ્ચે મોરબી, સુરેન્દ્રનગર અને નર્મદા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો : મોરબી જિલ્લામાં સૌથી વધુ ૮.૩૧ ઇંચ વરસાદ નોંધાયો : રાજ્યમાં ૨૭ હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું : જુઓ સંપૂર્ણ યાદી

એનડીઆરએફની ૧૭ અને એસડીઆરએફની ૩૩ ટુકડીઓ સહિત સેનાની ૬ પ્લેટૂન રાહત-બચાવ કામગીરીમાં તૈનાત : રાજ્યના ૨૨ જળાશયો હાઈ એલર્ટ પર મૂકાયા

ગાંધીનગર:ઓગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ રાજ્યભરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. તા. ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦થી સાંજના ૪:૦૦ વાગ્યા સુધીના ૧૦ કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૬ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ૧૩ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા મોટા પાયે રાહત, બચાવ અને સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હવામાન વિભાગની સૂચના અનુસાર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદ સહિત કુલ ૬ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' અમલી છે. જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, કચ્છ, અમરેલી અને જામનગર સહિત ૧૩ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.

તાલુકાવાર વરસાદની વિગતો પર નજર કરીએ તો, મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં સૌથી વધુ ૨૧૧ મીમી (૮.૩૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ૧૭૬ મીમી (૬.૯૩ ઇંચ), મોરબીના ટંકારામાં ૧૭૧ મીમી (૬.૭૩ ઇંચ), મોરબીના હળવદમાં ૧૬૦ મીમી (૬.૩ ઇંચ), સુરેન્દ્રનગરના વઢવાણમાં ૧૫૭ મીમી (૬.૧૮ ઇંચ), મોરબીના માળિયામાં ૧૧૭ મીમી (૪.૬૧ ઇંચ) અને સુરેન્દ્રનગરના લખતરમાં ૧૧૪ મીમી (૪.૪૯ ઇંચ) ભારે વરસાદ વરસી ગયો છે. નર્મદાના તિલકવાડામાં ૧૦૬ મીમી (૪.૧૭ ઇંચ) અને ખેડાના મહુધામાં ૧૦૦ મીમી (૩.૯૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરના મૂળી, ચૂડા, થાનગઢ, ચોટીલા અને સાયલા; નર્મદાના ગરૂડેશ્વર અને નાંદોદ; ખેડાના કઠલાલ અને કપડવંજ; સુરતના ઓલપાડ, ઉમરપાડા, ચોરાસી અને સુરત શહેર; બનાસકાંઠાના દાંતા; સાબરકાંઠાના ઈડર; ભરૂચના ઝઘડિયા, ભરૂચ શહેર અને અંકલેશ્વર; નવસારીના ચીખલી, ખેરગામ, નવસારી શહેર અને વાંસદા; ભાવનગરના સિહોર; રાજકોટના રાજકોટ શહેર, જસદણ અને પડધરી; વલસાડના નાનાપોંઢા અને કાપ્રડા; જામનગરના જોડિયા, ધ્રોળ અને જામનગર શહેર; કચ્છના મુંદ્રા, ભુજ, રાપર અને નખત્રાણા; છોટાઉદેપુરના નસવાડી અને સંખેડા; વડોદરાના સિનોર અને ડભોઈ; તથા અરવલ્લીના મોડાસા તાલુકામાં ૧.૬ ઇંચથી લઈને ૩.૭ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

પૂર અને આપત્તિજનક સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યભરમાં એનડીઆરએફ (NDRF)ની ૧૭ ટુકડીઓ, એસડીઆરએફ (SDRF)ની ૩૩ પ્લાટૂન અને ભારતીય સેના (Army)ની ૬ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને નવસારી જિલ્લામાં સેનાની ૨-૨ ટુકડીઓ તૈનાત રખાઈ છે. ભાવનગરમાં એનડીઆરએફની સૌથી વધુ ૫ ટુકડીઓ જ્યારે વડોદરામાં ૨ ટુકડીઓ તૈનાત છે. આ સિવાય એનડીઆરએફની ૧ ટીમ વડોદરા રોઝવે ટોમો ખાતે અને ૧ ટીમ દમણ ખાતે રેસ્ક્યુ ઓપરેશન માટે રવાના કરવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સાંજના ૪:૦૦ વાગ્યા સુધીની સ્થિતિએ રાજ્યના વિવિધ ૧૧ જિલ્લાઓમાંથી કુલ ૨૭,૮૫૬ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ નવસારીમાંથી ૧૧,૫૯૦, સુરતમાંથી ૧૧,૧૭૯, તાપીમાંથી ૧,૫૬૭, વલસાડમાંથી ૧,૧૩૩, આણંદમાંથી ૭૯૫, વડોદરામાંથી ૪૯૨, ખેડામાંથી ૩૫૭, ડાંગમાંથી ૩૧૧, નર્મદામાંથી ૧૭૮, પાટણમાંથી ૧૫૪ અને સુરેન્દ્રનગરમાંથી ૧૦૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. તે જ પ્રમાણે પૂરના પાણીમાં ફસાયેલા નર્મદામાંથી ૧૦, છોટાઉદેપુરમાંથી ૩૧, વલસાડમાંથી ૦૩ અને સુરતમાંથી ૦૯ મળી કુલ ૫૩ નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

જળાશયોની સ્થિતિ અંગે વાત કરીએ તો, રાજ્યના ૨૦૬ મુખ્ય ડેમ સ્કીમ પૈકી ૧૫ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં અને ૭ ડેમ ૯૦થી ૧૦૦ ટકા ભરાતાં કુલ ૨૨ જળાશયોને 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે. આ સિવાય ૮૦થી ૯૦ ટકા ભરાયેલા ૮ ડેમ માટે 'એલર્ટ' અને ૭૦થી ૮૦ ટકા ભરાયેલા ૧૧ ડેમ માટે 'વોર્નિંગ' ઇશ્યૂ કરવામાં આવી છે.

સાંજે ૪:૦૦ વાગ્યે જાહેર કરાયેલા નાઉકાસ્ટ (Nowcast) મુજબ, આગામી કલાકો દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં ૪૧ થી ૬૧ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ (૧૫ મીમી/કલાકથી વધુ) થવાની શક્યતા છે. જ્યારે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

(5:36 PM IST)