<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ડાંગ આરોગ્ય વિભાગના રૂ.60 લાખના આઉટસોર્સિંગ કૌભાંડમાં SIT તપાસ શરૂ

આર્થિક નુકસાન ભોગવનાર આઉટસોર્સ કર્મચારીઓને ન્યાય મળે અને સમગ્ર કૌભાંડમાં જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી

ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પાસેથી રૂ.60 લાખથી વધુની વસૂલાત થયાના આક્ષેપો સામે આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સમગ્ર પ્રકરણની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ (SIT)ની રચના કરવામાં આવી છે. સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા આરોગ્ય અધિકારી (DHO), હિસાબી અધિકારી સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ અહેવાલ ગાંધીનગર મોકલવામાં આવશે.

પ્રાથમિક તબક્કે સમગ્ર કૌભાંડનો જવાબદાર એજન્સીના સુપરવાઇઝર નિલેશને ઠેરવવાના પ્રયાસો થયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જોકે, નિલેશ અને અન્ય કર્મચારી મેહુલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ માત્ર એજન્સીના સંચાલકોની સૂચના મુજબ કામગીરી કરતા હતા અને કર્મચારીઓ પાસેથી એકત્ર કરાયેલી રકમ એજન્સીના કર્મચારી યશને નવસારી ખાતે સોંપવામાં આવતી હતી.

આક્ષેપ મુજબ, યશે જ તમામ કર્મચારીઓને સુરત ખાતે બેઠક માટે બોલાવ્યા હતા તેમજ એજન્સીના ખાતામાં જમા થયેલી રકમ સમયસર ન મળતા કર્મચારીઓને ફોન કરીને તાત્કાલિક રૂપિયા જમા કરાવવા દબાણ કર્યું હતું. કૌભાંડ જાહેર થયા બાદ કેટલાક કર્મચારીઓને ધમકીઓ આપવામાં આવી હોવાના પણ આક્ષેપ થયા છે. ધમકીના ઓડિયો અને બેઠક દરમિયાન થયેલી વાતચીતના રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હાલ SIT સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આર્થિક નુકસાન ભોગવનાર આઉટસોર્સ કર્મચારીઓને ન્યાય મળે અને સમગ્ર કૌભાંડમાં જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.

(11:25 AM IST)