તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
જસદણ-વિંછીયાની ‘મિશન મંગલમ’ની બહેનોએ કરી વિધાનસભાની મુલાકાત; મુખ્યમંત્રી અને ગ્રામ વિકાસ મંત્રીએ બહેનોને બિરદાવ્યા
સચિવાલય ખાતે 'મિશન મંગલમ'ની બહેનો સાથે ગ્રામ વિકાસ મંત્રીનો પ્રેરણાદાયી સંવાદ:મહિલાઓને માત્ર રોજગારી નહીં, સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા તાલુકાના ‘મિશન મંગલમ’ સ્વ-સહાય જૂથ (SHG) સાથે જોડાયેલ મહિલાઓ ગત રોજ ગાંધીનગરની વિશેષ મુલાકાતે પધારી હતી. આ યાદગાર પ્રવાસ દરમિયાન બહેનોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈ લોકશાહીની ગૌરવવંતી કામગીરીને નજીકથી નિહાળી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ સ્વાવલંબી બહેનોની ઉત્સાહભેર મુલાકાત લઈને વિધાનસભા પરિસરમાં તેમની સાથે સ્મૃતિચિત્ર પડાવી મહિલા સશક્તીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના નર્મદા હૉલ ખાતે એક પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બહેનો સાથે સીધો વાર્તાલાપ કરીને તેમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષને બિરદાવ્યો હતો.
‘મિશન મંગલમ’ અને સ્વ-સહાય જૂથ (SHG)ની બહેનો સાથે સંવાદ સાધતાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે પગભર બની પોતાના પરિવારનું સન્માનભેર ગુજરાન ચલાવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને માત્ર રોજગારી આપવા પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ સંપૂર્ણ આત્મનિર્ભર બને તેવો છે. સખી મંડળો આજે એવું શ્રેષ્ઠ માધ્યમ બન્યા છે, જેના થકી મહિલાઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે છે અને પારિવારિક તથા સામાજિક પ્રસંગોમાં આર્થિક રીતે મજબૂત સહયોગી બની રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બહેનો પોતાની રસ-રૂચિ અનુસાર સિલાઈ, ગૃહ ઉદ્યોગ કે માટીકામ જેવા રોજગારલક્ષી વ્યવસાયો પસંદ કરી શકે છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય વર્ધન તાલીમ અને વ્યાજમુક્ત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી 'ડ્રોન દીદી' યોજના મહિલાઓ માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસના નવા દ્વાર ખોલી રહી છે. આ દિશામાં આગામી સમયમાં વિંછીયા ખાતે વધુમાં વધુ સ્થાનિક બહેનોને આધુનિક ડ્રોન ટેકનોલોજીની વિશેષ તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવશે.
મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ વસ્તુઓના વેચાણ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સરસ મેળાઓ ઉપરાંત બસ સ્ટેન્ડ અને યાત્રાધામો ખાતે 'ગ્રામ હાટ' યોજના હેઠળ વિનામૂલ્યે દુકાનો/સ્ટોલ ફાળવવામાં આવે છે, જેથી બહેનો સીધું વેચાણ કરીને મહત્તમ નફો મેળવી શકે.
મંત્રીએ ઉપસ્થિત તમામ બહેનોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, આ ગાંધીનગરની મુલાકાત માત્ર એક પ્રવાસ બનીને ન રહે, પરંતુ અહીંથી મેળવેલી પ્રેરણા અને સરકારી યોજનાઓની માહિતી પોતાના ગામની અન્ય મહિલાઓ સુધી પહોંચાડે. દરેક સખી મંડળને સક્રિય બનાવી આત્મનિર્ભર ગ્રામીણ અર્થતંત્રના નિર્માણમાં મહિલાઓ સક્રિય ભાગીદાર બને તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC)ના મેનેજિંગ ડિરેક્ટર પ્રશસ્તી પરીખે જણાવ્યું હતું કે, ગ્રામીણ મહિલાઓ પોતાના ઘર-પરિવારની જવાબદારીઓ સંભાળવાની સાથે પોતાના કૌશલ્ય થકી આર્થિક રીતે પગભર બની શકે તે માટે GLPC નિરંતર કાર્યરત છે. તેમણે ગૌરવપૂર્વક ઉમેર્યું કે, રાજ્યમાં અંદાજે ૮ લાખ જેટલી ‘લખપતિ દીદી’ નોંધાઈ ચૂક્યા છે, જે મહિલા સંગઠન અને આત્મનિર્ભરતાની અસીમ શક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
કેટરિંગ અને કેન્ટીન જેવા વ્યવસાયો અંગે માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયની માંગ મુજબ નવીનતા, આરોગ્યપ્રદ વિકલ્પો અને ઉચ્ચ ગુણવત્તા ઉમેરીને બહેનો પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. આ માટે GLPC દ્વારા બહેનોને જરૂરી તમામ વ્યાવસાયિક ટ્રેનિંગ પણ પૂરી પાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર રાજશ્રી કુશવાહે ઉપસ્થિત સર્વે બહેનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે મહિલા સશક્તીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે બહેનોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સખી મંડળની બહેનો દ્વારા સફળતાપૂર્વક સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ અને સ્વ-રોજગારી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જનારી ‘ડ્રોન દીદી’ મહિલાઓની પ્રેરણાદાયી પ્રગતિ રજૂ કરતી શોર્ટ ફિલ્મ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સર્વેએ ઉત્સાહભેર બિરદાવી હતી.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
