<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

સાહેબ મારા પતિના હત્યારાઓને સજા આપો: સાગબારામાં પતિના મોતમાં હત્યાની આશંકાએ પીડિત પત્નીએ ગૃહમંત્રીને પત્ર લખી હત્યારાઓને સજા આપવા માંગ કરી

24 દિવસથી લાપતા વિકી વસાવાનો કૂવામાંથી ડી-કમ્પોઝ થયેલો મૃતદેહ મળ્યો હતો: ડૉક્ટરને બદલે કમ્પાઉન્ડરે પીએમ માટે સેમ્પલ લીધા હોવાનો પત્નીનો ગંભીર આક્ષેપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામની પરિણીત યુવતીએ પોતાના પતિના હત્યારાઓને સજા અપાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુહાર લગાવી છે.
     મળતી માહિતી મુજબ 6 જાન્યુઆરી 2026 ના દિવસે સાગબારા તાલુકાના સોરાપાડા ગામનો 22 વર્ષીય યુવાન વિકી વસાવા સાંજે 7 વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઈને પોતાના ઘરેથી નીકળ્યો હતો જે 24 દિવસ સુધી લાપતા થઈ ગયો હતો. પત્ની રાધિકા પોતાના બે વર્ષના બાળકને લઈ પતિને શોધવા આસપાસ જંગલ અને ડુંગરાળ ટેકરાઓ ફરી વળી હતી તો બીજી બાજુ સાગબારા પોલીસને અરજ પણ કરી હતી.
આખરે નજીકના કૂવામાં ડી-કમ્પોઝ થઈ ગયેલો એક મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે કુવામાથી બહાર કાઢી ત્યારે યુવાનના મોઢા, ગળા, અને ગરદનના ભાગે ગંભીર ઇજાઓ જણાઈ આવી હતી. પત્ની રાધિકાના કહેવા મુજબ પોલીસની હાજરીમાં કથિત રીતે ડોકટરને બદલે કમ્પાઉન્ડરે ડેડ બોડી માંથી નમૂના એકત્રિત કર્યા અને ત્યાર બાદ રાત્રે જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા.

રાધિકા જણાવ્યા મુજબ તે પોતાના 2 વર્ષના બાળકને લઈને સાગબારા પોલીસ પાસે પોતાના પતિની ગામના જ કેટલાક લોકોએ હત્યા કરી હોવાનું જણાવી હત્યાનો ગુનો નોંધવા અરજી કરી હતી.ત્યારે પોલીસે એને એમ કહ્યું હતું કે જ્યાં સુધી પીએમ રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી અમે આગળ કશું કરી શકીએ નહિ.તો બીજી બાજુ રાધિકાએ આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉચ્ચ ગુજરાત પોલીસ મહા નિર્દેશક તેમજ CID ક્રાઈમને 5 જેટલા ઈસમો સામે તેમના પતિની હત્યા મામલે ફરિયાદ નોંધવા માટે લેખિત રજુઆત પણ કરી છે.
પત્ની રાધિકાએ કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે કે મારો પતિ આટલા દિવસ ક્યાં હતો એની બાઈક અને મોબાઈલ પણ ક્યાં હતા.મારા પતિનો જે કુવા માંથી મૃતદેહ મળ્યો ત્યાં હું 2, 3 વખત જઈ આવી ત્યારે એમાં કશું ન્હોતું અને અચાનક મૃતદેહ કેવી રીતે આવી ગયો.મારા પતિની આંખો અને મોઢું પણ છૂંદી કાઢવામાં આવ્યું હતું એટલે મારા પતિની હત્યા જ થઈ છે.મારા પતિનું બાઈક જે વ્યક્તિ ઘરે મૂકી ગયો એની પણ પૂછતાછ થવી જોઈએ.મારા પતિએ છેલ્લે મોબાઈલ ઉપર ક્યારે વાત કરી મોબાઈલ બંધ થયો ત્યારે છેલ્લું લોકેશન ક્યાંનું હતું એની તપાસ થવી જોઈએ

(9:49 PM IST)