<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો: રાધનપુર કોર્ટમાંથી પરત ફરતા પૂર્વ પતિ અશોક ચૌધરીની ગાડી ઘેરી હુમલાનો પ્રયાસ, 4 સામે ફરિયાદ

કોર્ટ કાર્યવાહી બાદ થયેલા હુમલામાં અશોક ચૌધરીનો આક્ષેપ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી : સમયસર ગાડી આગળ વધારી દેવાથી મોટી દુર્ઘટના ટળી

રાધનપુર/પાટણ તા.૧૭ : લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્ન અને છૂટાછેડાના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાધનપુર કોર્ટમાંથી કાર્યવાહી પતાવીને પરત ફરતા તેમના પૂર્વ પતિ અશોક ચૌધરીની ગાડી ઘેરી લઈને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે અશોક ચૌધરીએ 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અશોક ચૌધરીના જણાવ્યા મુજબ તેઓ રાધનપુર કોર્ટમાં કિંજલ રબારી સાથે ચાલતા કેસની કાર્યવાહી પતાવીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકોએ તેમની ગાડીને રસ્તામાં રોકીને ઘેરી લીધી હતી. આરોપ છે કે ટોળકીએ ગાડી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તેમને મારવાની ધમકી પણ આપી હતી. સમયસર ગાડી આગળ વધારી દેવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટના બાદ અશોક ચૌધરીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં હુમલો, ધમકી અને જાહેરમાં ઉપદ્રવ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે પોલીસની ટીમો કામે લાગી ગઈ છે.

કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચે છૂટાછેડા અને અન્ય કાનૂની મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે થયેલો આ હુમલાનો પ્રયાસ કેસને વધુ ગરમાવો આપનારો બન્યો છે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ મામલે આગળની તપાસ ચાલુ છે.

(4:25 PM IST)