News of Saturday, 26th September 2026
ત્રિપદા પ્રાથમિક શાળા અને નિર્મલ એકેડેમી વિરમગામ ખાતે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ
વિદ્યાર્થીઓ માટે કન્યા પૂજન અને બટુક ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું : વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાના પાઠ, સંસ્કૃતના શ્લોક અને સરસ્વતી માતાજીના મંત્રોનું પઠન કર્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રી ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ત્રિપદા પ્રાથમિક શાળા અને નિર્મલ એકેડેમી, વિરમગામ ખાતે રજત જયંતિ મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કન્યા પૂજન અને બટુક ભોજન કાર્યક્રમનું ભાવભર્યું આયોજન શાળા દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓનું પરંપરાગત વિધિ મુજબ કન્યા પૂજન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે વિદ્યાર્થીઓ માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિર વિભાગ અને ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓને ત્રિપદા પ્રાથમિક શાળામાં અને ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી,ગોલવાડી રોડ, મુકામે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, સેવા, સમાનતા, સહકાર અને માનવતાના મૂલ્યોને વિદ્યાર્થીઓમાં વિકસાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ ચુનીલાલ જોષી , ટ્રસ્ટી હિરેનભાઈ જોષી , શાળાના આચાર્ય, શિક્ષકો સહીતના સ્ટાફે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ, સંસ્કૃતના શ્લોક અને સરસ્વતીમાંના મંત્રોનું પઠન કરેલ હતું. શાળાના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા, સંસ્કાર અને આનંદથી છલકાઈ ઊઠ્યું હતું. શાળા પરિવાર દ્વારા આવા મૂલ્યલક્ષી કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
