તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
અમદાવાદમાં ૪૪ ડિગ્રીની ભીષણ ગરમીમાં પણ સિગ્નલ ચાલુ: તંત્રની જાહેરાત પોકળ સાબિત થતા વાહનચાલકો ધોમધખતા તાપમાં શેકાયા!
ઓરેન્જ એલર્ટ વચ્ચે બપોરે ૧૨ થી ૪ દરમિયાન સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કાગળ પર રહ્યો; નહેરુનગર અને પાંજરાપોળ જેવા વિસ્તારોમાં લોકોની હાલત કફોડી

અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે શહેરનો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં વાહનચાલકોને ગરમીથી રાહત આપવા માટે તંત્રએ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની મોટી જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવિકતામાં આ નિયમનો અમલ ન થતા અમદાવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તંત્રના વાયદા અને જમીની હકીકત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો કે બપોરના કલાકોમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા અથવા તેનો સમય ઘટાડવો. જોકે, શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા નહેરુનગર, પાંજરાપોળ, અંજલી અને શિવરંજની જેવા ચાર રસ્તાઓ પર બપોરે ૧૨ થી ૪ ના ધખધખતા તાપમાં પણ સિગ્નલ ચાલુ જોવા મળ્યા હતા. ૪૪ ડિગ્રી તાપમાનમાં ખુલ્લા રસ્તા પર ૬૦ થી ૯૦ સેકન્ડ સુધી લાલ લાઈટ પર ઊભા રહેવું વાહનચાલકો માટે કોઈ સજાથી ઓછું નથી.
હીટસ્ટ્રોકનો ખતરો અને લોકોની માગ
ટ્રાફિક જંકશન પર લાંબો સમય ઊભા રહેવાને કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોમાં હીટસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનની શક્યતાઓ વધી ગઈ છે. તંત્રની આ લાપરવાહીથી કંટાળેલા જાગૃત નાગરિકો હવે માગ કરી રહ્યા છે કે માત્ર સોશિયલ મીડિયા પર જાહેરાતો કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર તેનું કડકાઈથી પાલન કરવામાં આવે. લોકોની માગ છે કે જ્યાં ટ્રાફિક ઓછો હોય ત્યાં સિગ્નલ બ્લિંકિંગ મોડ પર રાખવામાં આવે જેથી કોઈએ તાપમાં લાંબો સમય થોભવું ન પડે.
આગામી દિવસોમાં જ્યારે ગરમીનો પારો હજુ પણ વધવાની શક્યતા છે, ત્યારે તંત્ર આ દિશામાં ક્યારે નક્કર પગલાં લેશે તે જોવાનું રહ્યું.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
