તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
સુરત ગુરૃકુલના શુભમ પટોળિયા એશિયા પેસિફિક યોગાસનમાં ચેમ્પિયન

સુરત : સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થી શુભમ દિપકભાઈ પટોળિયાએ શાનદાર સફળતા મેળવી છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોક ખાતે યોજાયેલ 4th UYSF Asia Pacific Yogasan Sports Championship એશિયા પેસિફિક યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ–૨૦૨૬માં શુભમે જુનિયર બોયઝ વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 'ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન્સ'નો ખિતાબ મેળવ્યો હતો. આ સાથે તેણે એક ગોલ્ડ મેડલ અને ટ્રોફી જીતીને ભારત, ગુજરાત અને સુરતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. બેંગકોક ખાતે યોજાયેલી આ યોગાસન સ્પર્ધામાં વિવિધ દેશો તથા પ્રદેશોના યોગસ્પર્ધકોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૭૪ ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી હતી. આ ટીમમાં ગુજરાતના પાંચ ખેલાડીઓનો સમાવેશ થયો હતો, જેમાંથી ચાર ખેલાડીઓ સુરતના હતા. કોચશ્રી રવિભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ સઘન મહેનત અને નિયમિત અભ્યાસ દ્વારા સ્પર્ધા માટે તૈયારી કરી હતી. જુનિયર બોયઝ વિભાગમાં 'ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન્સ' બનવા માટે આશરે ૨૫૦ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થી શુભમ દિપકભાઈ પટોળિયાએ પોતાના યોગકૌશલ્ય, એકાગ્રતા, શિસ્ત અને મહેનતના બળે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી. તેમની આ સફળતાથી શાળા પરિવાર, વાલીઓ અને સુરતના રમતપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સુરતના નાયબ પોલીસ કમિશનર, શ્રી રાજદીપસિંહ નકુમ તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના ગુરૃવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી મહંત સ્વામી, શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, શાળા સંચાલક શ્રી ભકિતનયદાસજી તથા શ્રી શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેસીયા, આચાર્યશ્રી ધર્મેશભાઈ સલીયા, યોગશિક્ષક શ્રી રવિ ચૌહાણ સાહેબ તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ શુભમ પટોળીયાને ભારત, ગુજરાત, તથા સુરત અને ગુરુકુલનું ગૌરવ વધારવા બદલ સન્માનિત કરી ધન્યવાદ આપેલ. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, શુભમ પટોળિયાએ યોગાસનમાં 'એકપાદ રાજકપોત આસન' ૧ કલાક ૧૯ મિનિટ અને ૧૬ સેકન્ડ સુધી કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે.. વધુમાં તેઓશ્રીએ કહ્યું હતું કે, ''ભારતની આઝાદી પછી વર્ષ ૧૯૪૮''માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ રાજકોટમાં ગુરુકુલની સ્થાપના કરી હતી. ત્યારથી આજ સુધી ગુરુકુલમાં વિદ્યાર્થીઓને પ્રાતઃકાળે નિયમિત યોગાસન શીખવવાની પરંપરા જાળવવામાં આવી છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
