News of Friday, 27th November 2026
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રેન્ટ નવનિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે ચાર નવગજા ગજરાજોની ભવ્ય અભૂતપૂર્વ વિશ્વશાંતિ નગરયાત્રા યોજાઈ
ટ્રેન્ટ ગામમાં યોજાયેલી આ ભવ્ય અદ્ભુત નગરયાત્રાએ ભારતીય સંસ્કૃતિની પરંપરા, ધાર્મિક આસ્થા અને સત્સંગના સંસ્કારોને જીવંત રાખવાનો સુંદર સંદેશ આપ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ટ્રેન્ટ ગામમાં બાઈઓના મંદિરમાં ઈ. સ. ૧૯૭૧ માં તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ભાઈઓના મંદિરમાં ઈ. સ. ૧૯૮૧ માં સ્વામિનારાયણબાપા તથા નાદવંશીય પરંપરાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. જેને ક્રમશઃ ૫૫ તથા ૪૫ વર્ષ પૂર્ણ થયાં.
શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રેન્ટ નવનિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચાર ગજરાજો ઉપર શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા અત્યંત ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી. આ દિવ્ય પ્રસંગે ગામના માર્ગો, ચોક, શેરીઓ અને સમગ્ર નગરનું વાતાવરણ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના જયઘોષ, ભજન-કીર્તન, ઢોલ-નગારાના નાદ અને હરિભક્તોની ભાવસભર ઉપસ્થિતિથી આધ્યાત્મિક ઉલ્લાસમાં તરબોળ બન્યું હતું.
નવગજા ગજરાજો પર બિરાજમાન શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની દિવ્ય શોભા, સુંદર શણગાર, રંગબેરંગી ધ્વજ-પતાકાઓ, ભક્તિપૂર્ણ સંગીત અને ભાવિકોના ઉત્સાહે નગરયાત્રાને અત્યંત આકર્ષક, અલૌકિક અને યાદગાર બનાવી હતી. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માર્ગની બંને બાજુ હકડેઠઠ હૈયે હૈયું દળાય એવી ભાવિક ભકતોની ભીડ ઉમટી હતાી. સૌના હૃદયમાં ભક્તિ, આનંદ, શ્રદ્ધા અને ભગવાનના દર્શનથી પ્રાપ્ત થતી દિવ્ય પ્રસન્નતાની લાગણી છલકાતી હતી.
ટ્રેન્ટ ગામમાં યોજાયેલી આ ભવ્ય અદ્ભુત નગરયાત્રાએ ભારતીય સંસ્કૃતિની પરંપરા, ધાર્મિક આસ્થા અને સત્સંગના સંસ્કારોને જીવંત રાખવાનો સુંદર સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે લંડન અને ભારતી શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિના સૂરો રેલાવ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. નગરયાત્રા ભક્તિનગરથી શરુ થઇ બાઈઓના શ્રી સ્વામિનારાયણ મંદિર, ભાઈઓના શ્રી સ્વામિનારાયણ મંદિરે થઈ મહોત્સવના સભા સ્થળે પૂર્ણ થઈ હતી. શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું યજમાનોએ ઉમળકાભેર વધાવી પૂજન અર્ચન કર્યું હતું. અભૂતપૂર્વ વિશ્વશાંતિ નગરયાત્રાનો લ્હાવો દેશવિદેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
