News of Wednesday, 6th May 2026
મેઘરજના છીટાદરા ગામમાં ચોંકાવનારી હત્યા: પાડોશીના નાતે સલાહ આપી એ નહીં ગમતા હોમગાર્ડ જવાને બોથડ પ્રદાર્થ ઝીકીને હત્યા કરી
લગભગ 20 કલાક સુધી ચાલેલી મડાગાંઠ અને પોલીસની ખાતરી બાદ પરિવારે રાકેશની લાશ સ્વીકારી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છીટાદરા ગામમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. ગામના જ એક યુવક રાકેશ કલાસવાની અત્યંત નિર્મમ રીતે હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સામાન્ય બોલાચાલી અને જૂની અદાવતમાં આ ખતરનાક ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ગામમાં શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.
આ હત્યા પાછળનું કારણ જાણીને કોઈપણ સ્તબ્ધ થઈ જશે. થોડા સમય અગાઉ આરોપી હોમગાર્ડ જવાન પ્રકાશ તરાળ પોતાના બાઈક પર એક નાનકડા બાળકને જોખમી રીતે લઈ જતો હતો. આ સમયે મૃતક રાકેશ કલાસવાએ તેને બાળકને ગળામાં ન લટકાવવા અને સાવચેતી રાખવા માટે પડોશીના નાતે સલાહ આપી હતી. જોકે, આ સદ્ભાવનાભરી સલાહને હોમગાર્ડ જવાને અંગત વેરઝેર માની લીધું હતું અને મનમાં અદાવત રાખીને રાકેશ પર હુમલો કરવાનું આયોજન કર્યું હતું.
આરોપી પ્રકાશ તરાળ, જે પોતે કાયદાના રક્ષક તરીકે હોમગાર્ડમાં ફરજ બજાવે છે, તેણે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. અદાવત રાખીને તેણે રાકેશ કલાસવા પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કર્યો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રાકેશનું કરુણ મોત નીપજ્યું હતું. રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે સમાજમાં કેવો ડર પેદા થાય છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. આ મામલે મૃતકની બહેને હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટના બાદ પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. લગભગ 20 કલાક સુધી ચાલેલી મડાગાંઠ અને પોલીસની ખાતરી બાદ પરિવારે રાકેશની લાશ સ્વીકારી હતી. હોસ્પિટલ અને ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે રહ્યો હતો.
હત્યાની ગંભીરતાને જોતા મેઘરજ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસની સક્રિયતાને કારણે ગણતરીના કલાકોમાં જ આરોપી હોમગાર્ડ જવાન પ્રકાશ તરાળને દબોચી લેવામાં આવ્યો છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર આ જવાન સામે હવે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામાન્ય શિખામણ આપવા જેવી નજીવી બાબતે કોઈની જિંદગી છીનવી લેનાર આરોપીને સખત સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
