News of Saturday, 3rd October 2026
અમદાવાદની શાળામાં શરમજનક કિસ્સો: વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલનાર કમ્પ્યુટર શિક્ષકને નોકરીમાંથી ટર્મિનેટ કરાયા
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત પ્રગતિ સ્કૂલના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને નકલી સોશિયલ મીડિયા આઈડીથી અશ્લીલ સંદેશાઓ મોકલવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે, અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ શાળા પ્રશાસને ત્વરિત પગલાં લઈને શિક્ષકને છૂટા કરી દીધા છે.

અમદાવાદ : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રગતિ સ્કૂલમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સ્કૂલના જ એક કમ્પ્યુટર શિક્ષકે નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને ત્યાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. આ ગંભીર બાબતની જાણ થતાં પીડિત વિદ્યાર્થિનીના મિત્રએ રૂબરૂ સ્કૂલે જઈને શિક્ષકનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાંથી અનેક નકલી પ્રોફાઈલ મળી આવતા રોષે ભરાયેલા યુવકે શિક્ષકને શાળા પરિસરમાં જ લાફા ઝીંકી દીધા હતા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, જ્યારે વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજો મળ્યા ત્યારે તેના મિત્રએ પોતાની રીતે તપાસ કરી હતી અને તે મેસેજ મોકલનાર અન્ય કોઈ નહીં પરંતુ શાળાના જ કમ્પ્યુટર શિક્ષક હોવાનું બહાર આવ્યું હતું. આ સત્ય બહાર આવતા જ ઉશ્કેરાયેલા યુવકે સ્કૂલમાં પહોંચીને શિક્ષકનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના પગલે શાળામાં થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આ મામલો તુરંત જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ મક્ષ સમક્ષ આ પ્રકરણમાં પરસ્પર સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર વિવાદ અંગે શાળાના પ્રિન્સિપાલ શૈલેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી હતી અને શાળા સ્તરે પણ આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા અને શિસ્તના ભંગને ધ્યાનમાં રાખીને શાળા પ્રશાસને કોઈપણ પ્રકારની શિથિલતા દાખવ્યા વિના આરોપી કમ્પ્યુટર શિક્ષકને તત્કાલ અસરથી નોકરીમાંથી ટર્મિનેટ કરી દીધા છે. બીજી તરફ, આરોપી શિક્ષકે પોલીસ સ્ટેશનમાં પોતાનો બચાવ કરતા વિચિત્ર નિવેદન આપ્યું હતું કે તેઓ પોતાના પત્નીને મેસેજ કરવા જતા હતા અને ભૂલથી તે મેસેજ વિદ્યાર્થિનીને મોકલાઈ ગયો હતો, જે અંગેનું અધિકૃત સ્ટેટમેન્ટ પણ પોલીસ સમક્ષ નોંધાવવામાં આવ્યું છે.
શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટનાથી વાલી વર્ગ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા અને નૈતિક મૂલ્યોને લઈને કડક નિયમો બનાવવાની માંગ ઉઠી રહી છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
