તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ગાંધીનગર લોકભવન ખાતે આયોજિત રામકથાનો સાતમો દિવસ : આચાર્ય કુલદીપજી મહારાજે શ્રીરામ વનવાસ, સીતા હરણ અને જટાયુ મોક્ષના પ્રસંગોનું કર્યું ભાવવાહી વર્ણન
ધીરજ, કર્તવ્ય, મિત્ર અને જીવનસાથીની ખરી કસોટી આપત્તિના સમયમાં જ થાય છે, રામનું જીવન વેદોની ઋચાઓનું જીવંત ઉદાહરણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી સહિતના મહાનુભાવોએ લીધો કથાનો લ્હાવો

ગાંધીનગર : ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ભવ્ય રામકથાના સાતમા દિવસે શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ થયા હતા. સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજે કથાના સાતમા દિવસે શ્રીરામનો વનવાસ, વનમાં ઋષિ-મુનિઓના આશ્રમોની મુલાકાત, શૂર્પણખા પ્રસંગ, સીતા હરણ તેમજ પ્રભુ ભક્તિ કાજે જટાયુએ આપેલા બલિદાનના પ્રસંગોનું અત્યંત માર્મિક અને ભાવવાહી વર્ણન કર્યું હતું. રામાયણના આ પવિત્ર પ્રસંગો અને ભજન-કીર્તનના દિવ્ય સૂરથી સમગ્ર લોકભવનનું વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત શ્રોતાઓ ભાવવિભોર થયા હતા.
આપત્તિના સમયમાં જ સાચા સંબંધોની ખરી કસોટી થાય છે:
કથા વ્યાસપીઠ પરથી આચાર્ય કુલદીપજી મહારાજે જણાવ્યું હતું કે, ભરતને પોતાની ચરણ પાદુકા સોંપીને અયોધ્યા પરત મોકલ્યા બાદ પ્રભુ શ્રીરામ લક્ષ્મણ અને માતા સીતા સાથે દક્ષિણ દિશા તરફ આગળ વધ્યા હતા. વનવાસ દરમિયાન શ્રીરામ વેદોમાં દર્શાવેલા આદર્શો અને નિયમો અનુસાર જ જીવન જીવતા હતા, તેથી તેમનું સમગ્ર જીવન વેદોની ઋચાઓનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. કથામાં આગળ વધતા તેમણે ઉમેર્યું કે, અત્રિ ઋષિના આશ્રમની મુલાકાત દરમિયાન સતી અનુસૂયાજીએ માતા સીતાને પવિત્ર પતિવ્રત ધર્મનો સચોટ ઉપદેશ આપ્યો હતો. સતી અનુસૂયાજીએ સમજાવ્યું હતું કે માણસના જીવનમાં ધીરજ, કર્તવ્ય, મિત્ર અને જીવનસાથી - આ ચાર બાબતોની ખરી કસોટી સુખના દિવસોમાં ક્યારેય નથી થતી, પરંતુ જ્યારે જીવનમાં આપત્તિ કે સંકટનો સમય આવે છે ત્યારે જ તેમની સાચી પરીક્ષા થાય છે. વનમાં ઋષિઓની નિર્ભયતા કાજે શ્રીરામે આ પવિત્ર ભૂમિને રાક્ષસોના આતંકથી મુક્ત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
કુતર્ક અને અહંકારના વિનાશનું પ્રતીક એટલે શૂર્પણખા પ્રસંગ:
આચાર્ય કુલદીપજી મહારાજે શૂર્પણખાના પ્રસંગને માનવ જીવનના વિકારોના પ્રતીક તરીકે વર્ણવતા અદભુત દ્રષ્ટાંત આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિ દિવ્ય પુરુષ અને સત્યના માર્ગમાં પોતાના મનનો વિકાર લઈને આવે છે, તેની અધોગતિ અને વિનાશ નિશ્ચિત જ હોય છે. લક્ષ્મણ દ્વારા શૂર્પણખાના નાક-કાન કાપવામાં આવ્યા તે ઘટના વાસ્તવમાં માનવ મનમાં રહેલા કુતર્ક અને અહંકારના વિનાશનું પ્રતીક છે. તેવી જ રીતે માતા સીતાના હરણ સમયે પક્ષીરાજ જટાયુએ રાવણ સામે જે અદભુત સાહસ, વીરતા અને પરાક્રમ દર્શાવ્યું, તે પ્રત્યેક મનુષ્ય માટે કર્તવ્યપાલનનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ધર્મના માર્ગ પર અડગ રહીને પોતાના કર્તવ્યનું ઈમાનદારીથી પાલન કરે છે, ત્યારે તેને સ્વયં ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે, જેનું સૌથી ઉત્તમ ઉદાહરણ જટાયુ મોક્ષ છે.
રાજકીય અને સામાજિક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ:
કથાના પ્રારંભમાં મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા સાંસદ દેવુસિંહ ચૌહાણે શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટય કરીને કથાનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ તમામ મહાનુભાવોએ વ્યાસપીઠ પર બિરાજમાન કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજનું ફૂલહાર પહેરાવીને ભાવભર્યું સન્માન કર્યું હતું.
આ ધાર્મિક મહોત્સવમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાભાઈ, પૂર્વ મંત્રી અને ગુજરાત વેદ પ્રચાર પ્રસાર સમિતિના અધ્યક્ષ ખુમાનસિંહ વાંસિયા, આમંત્રિત વિશિષ્ટ મહેમાનો, લોકભવન પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને કથાના પવિત્ર પ્રસંગોનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
