<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

વારાણસીથી વડનગર સુધીની ‘સેવા યાત્રા’ : ૫૦૦ બાઈકર્સ અને સ્થાનિક પરિવારોએ નિહાળ્યું નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનનું જીવંત પ્રસારણ

કાશી અને વડનગર વચ્ચે સ્થાપિત થયો ભાવનાત્મક સેતુ; વારાણસીથી આવેલા બાઈક સવારોનું વડનગરના ઘરે-ઘરે ઉમળકાભેર આતિથ્ય સત્કાર

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં દેશભરમાં શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ આજે વડનગરમાં એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. વારાણસીથી પ્રસ્થાન કરીને વડનગર પહોંચેલી ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ના ૫૦૦ જેટલા બાઈક સવારોએ વડનગરના સ્થાનિક પરિવારો સાથે બેસીને નરેન્દ્રભાઈ મોદીના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે વડનગરના રહેવાસીઓ અને વારાણસીથી આવેલા પ્રવાસીઓ વચ્ચે પરસ્પર સ્નેહ, રાષ્ટ્રસેવા અને આત્મીયતાનો પ્રબળ સંચાર જોવા મળ્યો હતો.

આ ઐતિહાસિક સેવા યાત્રામાં જોડાયેલા ૫૦૦ જેટલા બાઈકર્સ ગત રાત્રિએ વડનગર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવાસીઓએ વડનગરના વિવિધ સ્થાનિક પરિવારોના ઘરે આતિથ્ય માણ્યું હતું અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના સંસદીય મતક્ષેત્ર વારાણસી અને તેમના જન્મસ્થળ વડનગર વચ્ચે સાંસ્કૃતિક અને ભાવનાત્મક સંબંધો મજબૂત કરવાનો રહ્યો છે.

સ્થાનિક પરિવારોએ પણ પોતાના આંગણે પધારેલા કાશીના મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરીને ભારતીય સંસ્કૃતિની ‘અતિથિ દેવો ભવ:’ની પરંપરાને સાર્થક કરી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ યાત્રા વારાણસીથી વડનગર સુધીના માર્ગમાં વિવિધ સ્થળોએ સેવાકીય પ્રવૃત્તિઓ પૂર્ણ કરીને વડનગર પહોંચી છે, જે જનસંપર્ક અને સેવાના ઉમદા કાર્યનું પ્રતિક બની રહી છે.

(2:24 PM IST)