<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં ભાજપ દ્વારા સેવાયજ્ઞ : ૨૨ સપ્ટેમ્બરે યોજાશે ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ

રાજ્યના તમામ તાલુકાઓમાં ભાજપ આગેવાનો અને કાર્યકરો વૃદ્ધાશ્રમો તેમજ બાળ સંભાળ ગૃહોની મુલાકાત લઈ હાથ ધરશે સેવાકાર્યો : ફળ, ધાબળા અને ચાદર સહિતની આવશ્યક સામગ્રીનું કરાશે વિતરણ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આ અભિયાનના ભાગરૂપે તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવારના રોજ ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ હેઠળ રાજ્યના તમામ તાલુકા (મંડલ) માં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

વૃદ્ધાશ્રમો અને બાળ સંભાળ ગૃહોમાં સેવાકાર્ય:
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રત્યેક તાલુકામાં સમાવિષ્ટ વૃદ્ધાશ્રમો તથા બાળ સંભાળ ગૃહોની રૂબરૂ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન વડીલો અને બાળકો સાથે આત્મીય સંવાદ સાધીને સમય વિતાવવામાં આવશે તેમજ ફળ વિતરણ ઉપરાંત ધાબળા, ચાદર સહિતની દૈનિક જરૂરિયાતની આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.

સામાજિક જવાબદારીની ભાવના મજબૂત કરવાનો પ્રયાસ:
આ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજમાં સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભાજપના કાર્યકરો આ સેવા કાર્યને માત્ર એક પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે સક્રિય રીતે જોડાશે.

(5:52 PM IST)