<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

રૂપાલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાયજ્ઞના અવસરે વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત મશાલ પ્રજ્વલિત કરી યાત્રાને પ્રસ્થાન કરાવાયું : ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં કરશે ભ્રમણ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના પ્રખ્યાત અને ઐતિહાસિક ગામ રૂપાલ ખાતે ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’નો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક ૨૫ વર્ષના સેવાયજ્ઞ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા દેશવાસીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

‘સેવા જ્યોતિ મશાલયાત્રા’ને જનસેવા, પારદર્શિતા અને સુશાસનના પ્રતિક રૂપે દર્શાવી, રાજ્યનો દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાય તેવા ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મશાલ પ્રજ્વલિત કરી, હર્ષોલ્લાસ સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ રૂપાલ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે પૂજન અને આરતી કર્યા બાદ મશાલ યાત્રામાં જનમેદની સાથે પદયાત્રા કરી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ જિલ્લા કક્ષાની મશાલ યાત્રા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાઓમાં ભ્રમણ કરશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પક્ષ પ્રમુખ અનિલ પટેલ તથા ગાંધીનગર જિલ્લા પ્રભારી રમેશ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ અને અધિક કલેક્ટર અમિત પરમાર સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, રૂપાલ ગામના અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(3:10 PM IST)