<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ચૂંટણીની નિષ્‍પક્ષતા સામે ગંભીર સવાલોઃ જ્ઞાનેશકુમારને તુરંત પદ ઉપરથી હટાવોઃ અમિત ચાવડા

કોંગ્રેસે અમદાવાદ ખાતે પતંગ હોટલથી સરદાર બાગ સુધી પદયાત્રા દ્વારા વિરોધ નોંધાવ્‍યોઃ ચુંટણી કમિશનરના પૂતળાનું દહન SIRના નામે સાચા મતદારોના નામ કાપવા એ તેમના મતાધિકાર પર સીધો હુમલો છેઃ એક પણ મતદાર સાથે અન્‍યાય નહીં થવા દઈએઃ ડો. તુષાર ચૌધરી

અમદાવાદ તા.૩૦: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વોટચોરીના આક્ષેપો, મતાધિકારના રક્ષણ અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી તથા પક્ષના વરિષ્ઠ આગેવાનોની આગેવાનીમાં સેંકડો કોંગ્રેસ કાર્યકરો કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

પતંગ હોટલ પાસેથી શરૂ થયેલી પદયાત્રા સરદાર બાગ સુધી પહોંચી હતી, જ્‍યાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધરણા-પ્રદર્શન કરી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા તથા મતદારોના મતાધિકારના રક્ષણની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. કાર્યક્રમના અંતે ચૂંટણી કમિશનરનું પૂતળું દહન કરીને આક્રોશ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે, આજે ભારતની ગલી ગલીમાં એક જ નારો છે કે વોટ ચોરી કરીને દેશના લોકો સાથે ગદ્દારી કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. ચૂંટણી પંચ એક સ્‍વાયત્ત અને તટસ્‍થ બંધારણીય સંસ્‍થા છે અને દેશના નાગરિકોને બંધારણે આપેલા મતાધિકારની રક્ષા કરવી તેમજ તટસ્‍થ અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવી તેની જવાબદારી છે. પરંતુ  સરકારે ચૂંટણી પંચને પોતાની કઠપૂતળી બનાવી દીધું હોય તેવી સ્‍થિતિ ઊભી થઈ છે અને વોટચોરીના સમગ્ર કૌભાંડમાં ચૂંટણી પંચની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

રાહુલ ગાંધીજીએ વર્ષ ૨૦૨૩થી વોટચોરીના મુદ્દે સતત સવાલો ઉઠાવ્‍યા છે. તેમણે પુરાવા અને હકીકતો સાથે અનેક પ્રેસ કોન્‍ફરન્‍સ કરી, યાત્રાઓ અને વિરોધ પ્રદર્શનો કર્યા, સિગ્નેચર કેમ્‍પેઈન યોજાયા, ધ્‍યાનપત્રો આપવામાં આવ્‍યા અને સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્‍યો. તે સમયે વિપક્ષના આક્ષેપો કહીને આ ગંભીર સવાલોને અવગણવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

પરંતુ હવે SIRની પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો, ખોટી રીતે મતદારોના નામ કાપવા અને સાચા મતદારોના મતાધિકારને અસર થવાના પ્રશ્નો સામે આવ્‍યા છે. સાથે જ ભાજપને ફાયદો થાય તે રીતે ખોટા મત ઉમેરવામાં આવતા હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

ચૂંટણી પ્રક્રિયાની નિષ્‍પક્ષતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે અને ચૂંટણી પંચની કામગીરી સામે ઉઠેલા તમામ આક્ષેપોની નિષ્‍પક્ષ તથા કાયદેસરની તપાસ થવી જરૂરી છે. જ્ઞાનેશ કુમાર સામે કરવામાં આવેલા આક્ષેપોની પણ નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ કે કાયદાનો ભંગ સાબિત થાય તો જવાબદાર તમામ વ્‍યક્‍તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસની માંગ છે કે જ્ઞાનેશ કુમારને તાત્‍કાલિક પદ પરથી દૂર કરવામાં આવે અને તેમની સામે લાગેલા આક્ષેપોની કાયદેસર તપાસ કરવામાં આવે.

વોટચોરીનો મુદ્દો માત્ર કોઈ એક રાજકીય પક્ષનો મુદ્દો નથી, પરંતુ દેશના દરેક નાગરિકના બંધારણીય મતાધિકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. જો કોઈ વ્‍યક્‍તિ કે સંસ્‍થા મતદારના અધિકાર સાથે ચેડાં કરે છે તો તેની જવાબદારી નક્કી થવી જ જોઈએ. વોટચોરીના સમગ્ર નેટવર્કમાં જે કોઈ જવાબદાર હોય તેમની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્‍યું હતું કે ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને લઈને આજે જે ગંભીર સવાલો ઊભા થયા છે, તેનો સીધો ભોગ દેશનો સામાન્‍ય મતદાર બની રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્‍તારોમાં રહેતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ સમાજ અને ગરીબ-વંચિત વર્ગ સહિતના એક-એક મતને નિશાન બનાવવાનો કોઈપણ પ્રયાસ અમે સહન નહીં કરીએ. સાચા મતદારનું નામ મતદાર યાદીમાંથી કાપવું એટલે તેના લોકશાહી અધિકાર પર સીધો હુમલો કરવા સમાન છે.

વિરોધ અને ધરણા પ્રદર્શનમાં પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ  ભરતસિંહજી સોલંકી, એઆઈસીસીના CEC સદસ્‍ય ડો. અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સુભાષીની યાદવ, અમદાવાદ શહેર પ્રમુખ  સોનલબેન પટેલ, અમદાવાદ જિલ્લા પ્રમુખ રાજેશ ગોહિલ, ધારાસભ્‍ય ઈમરાન ખેડાવાલા,  કાંતિભાઈ ખરાડી, દિનેશજી ઠાકોર, કોર્પોરેટરઓ, વિવિધ શહેર જિલ્લા સમિતિના આગેવાનઓ સહિત સેકડો કાર્યકર્તાઓ જોડાયા હતા. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર)

(11:29 AM IST)