તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
સુરતમાં સગીરાની છેડતીના મામલે ગંભીર રાજકીય કાવતરાનો પર્દાફાશ : હર્ષભાઈ સંઘવીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા
એક સ્ફોટક ઓડિયો ક્લિપથી આ ઘટના પાછળ આપ (AAP) નું કાવતરું હોવાનો પર્દાફાશ:પાટીદાર સમાજને ઉશ્કેરી ભાજપને નુકસાન કરવા માટે દીકરીની આબરૂ સાથે ખેલ રમવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ

સુરતમાં સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનાને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આકરા તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આવી સંવેદનશીલ ઘટનાઓમાં રાજનીતિ ન હોવી જોઈએ. હર્ષભાઈએ કહ્યું કે, ઘટનાના વીડિયો ફૂટેજ સામે આવ્યા છે અને તે ખૂબ જ ગંભીર છે. આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં.
તપાસ દરમિયાન પોલીસને એક અત્યંત સ્ફોટક ઓડિયો ક્લિપ મળી આવી છે, જે આ સમગ્ર મામલાને એક અલગ વળાંક આપી રહી છે.ઓડિયો ક્લિપમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ આખી ઘટના આમ આદમી પાર્ટીદ્વારા 'પ્રી-પ્લાન્ડ' હતી. ઓડિયો ક્લિપમાં આપ (AAP) ના ઉમેદવાર જીવરામ પટેલના માણસની કથિત વાતચીત સામે આવી છે.
ઓડિયોમાં એવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે, આરોપી મહમ્મદને પોલીસ જીપમાંથી ખેંચીને મોટો હોબાળો કરવો. આ કાવતરાનો મુખ્ય ઈરાદો પાટીદાર સમાજને આમ આદમી પાર્ટી તરફ વાળવાનો અને ભાજપને નુકસાન પહોંચાડવાનો હતો. ઓડિયોમાં સ્પષ્ટપણે આરોપી મહમ્મદને પોલીસની કસ્ટડીમાંથી છોડાવી લેવાની ખાતરી આપવામાં આવી છે. એટલું જ નહીં, આપના ઉમેદવાર સુધી આ વાત પહોંચી ગઈ હોવાનો અને ઉપર સુધી સેટિંગ થઈ ગયાનો પણ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
હર્ષભાઈ સંઘવીએ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, પાટીદારોની સહાનુભૂતિ મેળવવા માટે નિર્દોષ દીકરીની આબરૂ હોમવી એ અત્યંત શરમજનક અને હીન કૃત્ય છે. આ પ્રકારે સમાજમાં અશાંતિ ફેલાવવા માટે રચવામાં આવેલું કાવતરું ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં. પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ઓડિયોમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે અને દરેક સ્તરે આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા થઈ રહી છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
