<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

સુરતમાં નર્મદાના આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ

સુરતની એક ખાનગી હોસ્પિટલની નર્સે પોલીસકર્મી જીગ્નેશ વસાવા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આરોપ લગાવ્યો :લગ્ન ના કરીને ધમકી આપી

સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ આ ગંભીર આરોપ લગાવ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારની વતની આ યુવતીએ પોલીસ મથકે પહોંચીને ન્યાયની માગ કરી છે.

પીડિત નર્સે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી પોલીસ કોન્સ્ટેબલના વતનમાં અવારનવાર અવરજવર રહેતી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ વસાવા સાથે તેનો સંપર્ક થયો હતો. બંનેની જ્ઞાતિ એક જ હોવાથી ટૂંક સમયમાં જ તેમની વચ્ચે પરિચય ગાઢ બન્યો હતો. આ પરિચય સમય જતાં પ્રેમ સંબંધોમાં પરિવર્તિત થઈ ગયો હતો. કોન્સ્ટેબલે યુવતીને સગાઈ અને લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

 

પીડિતાનો આરોપ છે કે, લગ્નની ખોટી લાલચ આપીને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ વસાવાએ નર્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબા સમય સુધી સંબંધો ચાલ્યા બાદ બંને વચ્ચે અંદરોઅંદર તણાવ ઉત્તપન્ન થયો હતો. મનમેળ ન બેસવાના કારણે સંબંધોમાં મોટી તિરાડ પડી ગઈ હતી. પરિસ્થિતિ વણસતા આ મામલો સમાજની પંચાયત અને બેઠક સુધી પહોંચ્યો હતો.

સમાજની મળેલી બેઠકમાં બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ હતી. સામાજિક ધોરણે 8 લાખ રૂપિયાનું વળતર લઈને છૂટા પડવાનો નિર્ણય લેવાયો હતો. પોલીસ કોન્સ્ટેબલે આ 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. જોકે, ત્યારબાદ પણ વિવાદ પૂરો થયો ન હતો અને તણાવ યથાવત રહ્યો હતો.

બંદોબસ્ત ડ્યુટી અર્થે સુરત આવેલા આરોપી પોલીસ કોન્સ્ટેબલે ફરીથી નર્સને ધમકાવી હતી. આ ધમકી અને ત્રાસથી કંટાળીને પીડિત નર્સે અંતે કાપોદ્રા પોલીસ મથકનો આશરો લીધો હતો. કાપોદ્રા પોલીસે યુવતીની ફરિયાદના આધારે જીગ્નેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી દીધો છે. પોલીસે આ મામલે આગળની કાનૂની તપાસ તેજ કરી છે.

(1:34 PM IST)