<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

વડોદરાના વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર ગંભીર દુર્ઘટના : વાઘેશ્વરી લોજનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી

બિલ્ડિંગનો હિસ્સો અચાનક તૂટી પડવાના કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા:વિસ્તારમાં ભારે નાસભાગ તેમજ દોડધામ મચી ગઈ

વડોદરા શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં વાઘેશ્વરી લોજનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. સવારનો સમય હોવાને કારણે આ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હતી, જેના લીધે કોઈ મોટી જાનહાનિ થતા અટકી ગઈ હતી. બિલ્ડિંગનો હિસ્સો અચાનક તૂટી પડવાના કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને વિસ્તારમાં ભારે નાસભાગ તેમજ દોડધામ મચી ગઈ હતી.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ જર્જરિત ઇમારતને લઈને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં જવાબદાર લોકો દ્વારા સમયસર કોઈ જ નક્કર કાર્યવાહી કે મરામતનું કામ કરવામાં આવ્યું નહોતું, જેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી અને લાપરવાહીને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જો આ ઘટના દિવસના વ્યસ્ત સમયે બની હોત તો પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બની શકી હોત.

 

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમજ આસપાસના વિસ્તારને સુરક્ષિત કરીને ભીડને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને તંત્ર દ્વારા આ જર્જરિત ભાગને હટાવવાની તેમજ આગળની સુરક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(2:07 PM IST)