તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
ગોધરાના વાવડી ટોલનાકા પાસે ગંભીર અકસ્માત : રોંગ સાઈડમાં આવતી સ્કોર્પિયોએ બાઈકને અડફેટે લેતા 3 યુવાનોના કરુણ મોત
ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો અને યુવાનો રોડ પર ફંગોળાયા:ગંભીર ઇજાઓને કારણે ત્રણેય યુવાનોએ સ્થળ પર જ દમ તોડ્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે પર વાવડી ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક સ્કોર્પિયો કારના ચાલકે સામેથી આવતા બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્કોર્પિયો કારનો ચાલક હાઈવે પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યો હતો. આ દરમિયાન વાવડી ટોલનાકા પાસે બાઈક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને યુવાનો રોડ પર ફંગોળાયા હતા. ગંભીર ઇજાઓને કારણે ત્રણેય યુવાનોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.
અકસ્માતનો ભોગ બનનાર ત્રણ મૃતકો પૈકી બે યુવાનો પંચમહાલના દરુનિયા ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એકસાથે ત્રણ યુવાનોના મોતના સમાચાર મળતા જ દરુનિયા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું હતું.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
