તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
પૂ.મોરારીબાપુ દ્વારા દુઃખની ઘડીમાં માનવતાનો સંવેદનશીલ હાથઃ પરિવારને સહાય અર્પણ
પૂ.મોરારીબાપુએ સહાય કરીને માત્ર પરિવારને પૈસા આપ્યા નથી, પરંતુ સમાજને એ શીખવ્યું છે કે કોઈના દુઃખમાં સાથે ઊભા રહેવું એ જ સાચી માનવતા

રાજકોટ તા.૮: પૂ.મોરારીબાપુ દ્વારા દુઃખની ઘડીમાં માનવતાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે અને સહાય અર્પણ કરાય છે. આણંદ જિલ્લાની ખંભાત તાલુકાની શકરપુર પ્રાથમિક શાળાની એક સાથે ત્રણ દીકરીઓ રીના, ઈશા અને પ્રિયા તળાવમાં ડૂબી મૃત્યુ થયાનું દુઃખ પિતા અશ્વિનભાઈ બારૈયા અને તેમના પરિવાર માટે અત્યંત કરુણ અને અપૂરણીય છે. દીકરીઓ ગુમાવવાનું દુઃખ એવું છે કે જેને કોઈ રકમથી માપી શકાય નહીં અને કોઈ શબ્દોથી વ્યક્ત કરી શકાય નહીં. દીકરીઓ પાછી આવી શકે તેમ નથી... તેમનું ખાલીપણું કોઈ ભરી શકે તેમ નથી... આ પરિવારની આંખોના આંસુ જોઈને હૃદય દ્રવી ઊઠે છે.
આવા અતિ કપરા સમયે પૂ. મોરારીબાપુ ચિત્રકૂટ ધામ તલગાજરડા તા.મહુવા,જી. ભાવનગરના પ્રતિનિધિ દ્વારા શિક્ષક દિન જેવા પવિત્ર દિવસે ત્રણેય દીકરીઓના પરિવારને રૂ.૪૫,૦૦૦ની આર્થિક સહાય કરવામાં આવી છે. આ માત્ર આર્થિક મદદ નથી,આ દુઃખની ઘડીમાં એક સંવેદનશીલ હૃદયનો પરિવારની પડખે ઊભા રહેવાનો સંદેશ છે.
પૂ. મોરારીબાપુએ સહાય કરીને માત્ર પરિવારને પૈસા આપ્યા નથી, પરંતુ સમાજને એ શીખવ્યું છે કે કોઈના દુઃખમાં સાથે ઊભા રહેવું એ જ સાચી માનવતા છે. દીકરીઓ ગુમાવનાર પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
પૂ. મોરારીબાપુના કરુણાસભર હૃદયમાંથી વહેતી માનવતાની આ ધારા અવિરત વહેતી રહે અને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સહાય, સંવેદના, સહકાર અને આશાનો પ્રકાશ પહોંચાડતી રહે તેમજ ઈશ્વર પૂ. મોરારીબાપુને દીર્ઘાયુષ્ય, સ્વસ્થતા અને શક્તિ આપે, જેથી તેઓ ભવિષ્યમાં પણ આવા અનેક ઉત્તમ અને સેવાકીય કાર્યો દ્વારા માનવતાની સુગંધ ફેલાવતા રહે.તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાય છે
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
