<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

પ્રજા અને પોલીસના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવતા સિનિયર આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે બદલી થતા સુરતવાસીઓએ ભારે હૃદયે અને અશ્રુભીની આંખોએ આપી અભૂતપૂર્વ વિદાય

"હું સુરતથી જાઉં છું તમારા દિલમાંથી નહીં, અમદાવાદમાં પણ મારા દરવાજા તમારા માટે સદા ખુલ્લા રહેશે" તેમ કહી ભાવુક બનેલા સ્ટાફ અને લોકોને મક્કમતાથી સાંત્વના આપતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત : વર્ષો પછી પણ યથાવત રહેલા સ્નેહ બદલ રાજકોટવાસીઓનો વિશેષ દાખલો આપ્યો

રાજકોટ:પોતાની ન્યાયપ્રિય, કડક અને પ્રજાભિમુખ કામગીરીને કારણે સામાન્ય જનતા તેમજ પોલીસ બેડામાં ભારે લોકપ્રિયતા ધરાવતા સિનિયર આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતની સુરતથી બદલી કરવામાં આવી છે. પ્રજા અને પોલીસ કર્મચારીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આ અધિકારીને ગુજરાતના ઐતિહાસિક પાટનગર એવા અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકેનો મહત્વનો પદભાર સોંપવામાં આવ્યો છે. આ બદલીના આદેશો થતાં જ સુરત ખાતે તેમને વિદાય આપવા માટે પોલીસ સ્ટાફ, અંગત સ્ટાફ અને સ્થાનિક નાગરિકોનો મોટો કાફલો ઉમટી પડ્યો હતો. વિદાયની આ પળો દરમિયાન ઉપસ્થિત તમામ લોકોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી અને વાતાવરણ ભારે હૃદયદ્રાવક બની ગયું હતું. લોકોની આ અગાધ લાગણી જોઈને પોતે ભાવનાત્મક રીતે ભાંગી ન પડે તે માટે અનુપમસિંહ ગેહલોતે બહારથી ખૂબ મક્કમતા દાખવી હતી અને વાતાવરણને હળવું બનાવવા સનિષ્ઠ પ્રયાસો કર્યા હતા.

 

લોકો અને સ્ટાફની લાગણી જોઈ કમિશ્નરે દરવાજા સદા ખુલ્લા રાખવાનું વચન આપ્યું:

પોતાની બદલી થવાના કારણે વ્યથિત અને ભાવુક બનેલા અંગત સ્ટાફ તેમજ સુરતના નાગરિકોને સાંત્વના આપતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, હું માત્ર સુરતથી જઈ રહ્યો છું, તમારા દિલમાંથી નહીં. તમારા સહુ માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે અને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ કે પ્રશ્ન હોય ત્યારે મને અચૂક જાણ કરજો. અમદાવાદ ખાતે પણ તમારા માટે મારા દ્વાર સદા ખુલ્લા રહેશે તેમ કહી તેમણે ઉપસ્થિત મેદનીને ધરપત આપી હતી. ફરજ દરમિયાન પ્રજા, પોલીસ સ્ટાફ અને પ્રેસ-મીડિયા તરફથી મળેલા અપાર પ્રેમ અને સહકાર બદલ તેમણે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

સુરતવાસીઓ સમક્ષ રાજકોટના સ્નેહભર્યા સંબંધોનો જીવંત દાખલો આપ્યો:

વિદાય સમારંભ દરમિયાન અનુપમસિંહ ગેહલોતે સુરતના લોકોને સંબોધતા રાજકોટના નાગરિકોનો એક વિશેષ અને પ્રેરણાદાયી દાખલો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ફરજ બજાવ્યાને આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ ત્યાંના લોકોની અને મારી લાગણી આજે પણ એવી જ યથાવત અને અકબંધ છે. હું હાલ ગમે તે શહેરમાં પોસ્ટિંગ પર હોઉં, પરંતુ રાજકોટના લોકો મને મળવા માટે અચૂક આવે છે. એટલું જ નહીં, રાજકોટવાસીઓને ત્યાં કોઈ પણ સામાજિક કે કૌટુંબિક પ્રસંગ હોય ત્યારે મને ખાસ નિમંત્રણ આપવામાં આવે છે. અમે અરસપરસ એકબીજા સાથે આટલા વર્ષો પછી પણ ખૂબ જ લાગણીભર્યા અને ઘનિષ્ઠ સંબંધો જાળવી રાખ્યા છે. મેં મારી કારકિર્દીમાં જ્યાં જ્યાં ફરજ બજાવી છે, ત્યાંના લોકો, સ્થાનિક પોલીસ સ્ટાફ અને મીડિયા જગત તરફથી હંમેશા આવો જ અદભુત અને અવિસ્મરણીય પ્રેમ મળતો રહ્યો છે, જે મારી સાચી મૂડી છે.

(9:23 PM IST)