<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

અમદાવાદમાં મહિલા સશક્તિકરણ અર્થે ‘આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ’નું સફળતાપૂર્વક આયોજન સંપન્ન : મંત્રી દર્શનાબેન વાઘેલા રહ્યા ઉપસ્થિત

મહિલાઓને સ્વતંત્ર ઉદ્યોગ શરૂ કરી 'રોજગારી દાતા' બનવા રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાનું આહ્વાન : 'સેવા સંકલ્પ અભિયાન' અને 'વોકલ ફોર લોકલ' મંત્રને સાકાર કરાયો

અમદાવાદ: ગુજરાત સરકારના 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે ‘આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. "વોકલ ફોર લોકલ", "ઘર ઘર સ્વદેશી" અને "સશક્ત ઉદ્યોગસાહસિક, સમૃદ્ધ ગુજરાત"ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન 'ધ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ' (CED) અને MSME કમિશનરના વર્લ્ડ બેંક દ્વારા સમર્થિત ‘રેમ્પ’ (RAMP) યોજનાના ઉપક્રમે કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ગૃહિણીઓને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રેરિત કરવાનો હતો.

મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ લેવા હાકલ:
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતા શહેરી વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે ૧૦ કે ૧૨ ધોરણ ભણેલી મહિલાઓ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૌશલ્ય વર્ધક કેન્દ્રો શરૂ કર્યા છે. તેમણે બહેનોને માત્ર નોકરી પર નિર્ભર રહેવાને બદલે સરકારી સહાય અને લોનનો લાભ મેળવી સ્વતંત્ર ઉદ્યોગ શરૂ કરવા અને અન્ય મહિલાઓ માટે 'રોજગારી દાતા' બનવા આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ગ્રીન આંત્રપ્રિન્યોરશિપ, સનરાઈઝ સેક્ટર, મહિલા ઉદ્યોગસાહસિકતા અને ટ્રાયબલ ડેવલપમેન્ટ જેવા કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, મુખ્યમંત્રી રોજગાર સહાય યોજના હેઠળ ઇન્ટર્નને એક વર્ષ સુધી દર મહિને રૂ. ૫,૦૦૦ની સહાય અપાશે.

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ અને માર્ગદર્શન:
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા (IAS) તથા MSME કમિશનર ક્ષિપ્રા આગ્રે (IAS) ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સશક્તિકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ ક્ષેત્રની સફળ મહિલાઓએ પણ પોતાના અનુભવો અને સલાહ-સૂચનો રજૂ કર્યા હતા.

CED દ્વારા ચલાવાતા વિવિધ કૌશલ્યલક્ષી કોર્સ:
CED દ્વારા નવો ધંધો શરૂ કરવા કે વર્તમાન ઉદ્યોગ વિસ્તારે તે માટે સ્પેશિયલ EDP (ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ) ચલાવાઈ રહ્યા છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ માર્કેટીંગ, ઇ-કોમર્સ, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV), સોલાર, ઓટોકેડ અને પ્લાસ્ટિક રિસાયક્લિંગ જેવા ક્ષેત્રોમાં ૧૫ દિવસના સર્ટિફિકેટ કોર્સ ચલાવાય છે. આ ઉપરાંત PCB ડિઝાઈનીંગ, મોબાઈલ રિપેરિંગ, એનિમેશન, ગ્રાફિક્સ ડિઝાઈનીંગ, ફોટોગ્રાફી, ફેબ્રિક્સ, ઈમિટેશન જ્વેલરી, રેઝિન આર્ટ અને કેન્ડલ મેકિંગ જેવા સ્કીલ-બેઝ્ડ કૌશલ્ય વર્ધક કોર્સની તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે.

(6:52 PM IST)