તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
સ્વગણતરી ઝુંબેશને સારો પ્રતિસાદ ૨.૩૬ લાખથી વધુ સહભાગી
વર્ષ ૨૦૨૭ની વસતિ ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે : ફોર્મ ભરવું ફરજિયાત છે, માત્ર નિશ્ચિત QR કોડ દ્વારા પોતાની સ્વગણતરીનું ફોર્મ ભરી શકાશે

અમદાવાદ તા.૨૯: દેશભરમાં ચાલી રહેલી વસતિ ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં ૧૭મી, મે-૨૦૨૬થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશનરોઓ અને જાગૃત નાગરિકોએ સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને અન્યને સ્વ-ગણતરી માટે પ્રેરણા આપીને છે. આ સ્વ-ગણતરી અભિયાનમાં નાગરિકોની સાથે સાથે વધુમાં વધુ કર્મયોગીઓ પણ સહભાગી થાય તે માટે રાજ્યમાં ૨૯મી, મેના રોજ આરોગ્ય અને શિક્ષણ વિભાગ તેમજ ૩૦મી, મે-૨૦૨૬ના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા રાજ્યભરના તમામ કર્મયોગીઓ સ્વ-ગણતરી ફોર્મ ભરશે. વર્ષ ૨૦૨૭ની વસતિ ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. માત્ર નિヘતિ ક્યુઆર કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીનું ફોર્મ ભરી શકાય છે.
વસતિ ગણતરી નિયામક સુજલ મયાત્રાએ કહ્યું હતું કે, આ જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી' ગુજરાતમાં ૧લી, જૂનથી ૩૦મી, જૂન દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનોસ્ત્રેત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં ‘વસતિની ગણતરી' ૯મી, ફેબ્રુઆરીથી ૨૮મી, ફેબ્રુઆરી-૨૦૨૭ દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે ૨.૩૬ લાખથી વધુ મહાનુભાવો-નાગરિકો સ્વ-ગણતરી ઝુંબેશમાં સહભાગી થયા છે.
અમદાવાદમાં સૌથી વધુ ૪૨ હજારથી વધુ જ્યારે સુરતમાં ૨૨ હજાર, વડોદરા-આણંદમાં ૧૬-૧૬ હજાર, રાજકોટમાં ૧૪ હજાર, મહેસાણામાં ૧૧ હજાર એમ રાજ્યમાં કુલ ૨.૩૬ લાખથી વધુ નાગરિકો સ્વ-ગણતરીમાં જોડાયા છે.
ઘરે બેઠા સ્વ-ગણતરી ફોર્મ ભરાશે તો સચોટ માહિતીની સાથે સાથે વસતિ ગણતરી કરતા કર્મચારી પર કામનું ભારણ ઘટવાની સાથે કામમાં વધુ ઝડપ પણ આવશે.
આ રાષ્ટ્રવ્યાપી સ્વ-ગણતરી ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે વસતિ ગણતરી નિયામકે રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત ૧૬ ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. જેમાં ઉત્તરદાતાઓ ૧૭મી, મેથી ૩૧મી, મે-૨૦૨૬ દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે.
જનગણના અધિનિયમ, ૧૯૪૮ અને જનગણના નિયમો, ૧૯૯૦ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી નહીં શકાય. દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે અને માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
