<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સુરતમાં 36 કલાકમાં બીજું 'હાફ એન્કાઉન્ટર' : સગીરના હત્યારા રાહુલ જોગીને પકડવા જતાં પોલીસ પર હુમલો : પીઆઈ ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં ગોળીબાર કર્યો : જુઓ વિડીયો

યુપી પોલીસ મોડલની તર્જ પર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કડક કાર્યવાહી : લિંબાયત પોલીસના કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુથી હુમલો કરનાર 17 ગુનાના રીઢા આરોપીના પગમાં ગોળી વાગતા સિવિલ ખસેડાયો

 રાજકોટ:  સુરત શહેરમાં ગુનેગારોમાં પોલીસનો ડર બેસાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ મોડલની જેમ જ ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરાતા છેલ્લા 36 કલાકમાં બે 'હાફ એન્કાઉન્ટર'ની ઘટનાઓ સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરી ફરાર થયેલા રીઢા ગુનેગાર રાહુલ જોગીને પકડવા ગયેલી ટીમ પર હુમલો થતા પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો.

 નજીવી બાબતે સગીરની હત્યા અને ફરાર આરોપી

લિંબાયત વિસ્તારમાં ગત 10 મેની રાત્રે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર મોબાઈલ દુકાનનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો. ગણેશ નગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રાહુલ જોગી નામના શખસે અનુરાગની છાતીમાં ચપ્પુના ઘા ઝીંકી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પીઆઈ ડી.ડી. ચૌહાણે અલગ-અલગ ટીમો બનાવી હતી.

 પોલીસ પર હુમલો અને વળતો ગોળીબાર

વહેલી સવારે 5 થી 6 વાગ્યાના ગાળામાં બાતમી મળી હતી કે આરોપી રાહુલ જોગી મીઠી ખાડી વિસ્તારમાં એક ટાંકી પાસે છુપાયેલો છે. જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતા અને સ્વબચાવમાં લિંબાયત પીઆઈ ડી.ડી. ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘાયલ કોન્સ્ટેબલ મુકેશ બાગુલને ગોળાદરાની ખાનગી હોસ્પિટલ અને આરોપી રાહુલને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

 17 ગુનાનો રીઢો આરોપી હવે કણસી રહ્યો છે

પીઆઈ ડી.ડી. ચૌહાણના જણાવ્યા અનુસાર, રાહુલ જોગી રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ મારામારી સહિતના 17 જેટલા ગુના નોંધાયેલા છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલો આરોપી હવે 'ફરી આવું નહીં કરું' તેમ કહીને દર્દમાં બૂમો પાડી રહ્યો છે. લિંબાયત પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1), 118(1) અને 296(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 સુરતમાં પોલીસની બદલાયેલી કાર્યશૈલી

નોંધનીય છે કે બે દિવસ પહેલા જ એસબીઆઈ (SBI) બેંકમાં 50 લાખની લૂંટના કેસમાં મુખ્ય આરોપી શુભમ પર એસીપી કિરણ મોદીએ વળતું ફાયરિંગ કર્યું હતું, જેમાં તેના બંને પગમાં ગોળી વાગી હતી. આમ, સુરત પોલીસ હવે ગુનેગારોને સીધા દોર કરવા માટે કડક હાથે કામ લઈ રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કાયદો હાથમાં લેનારા તત્વો સામે હવે પોલીસનો ડર બતાવવામાં આવશે.

(10:15 AM IST)