News of Monday, 21st September 2026
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો બીજો દિવસ: લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડ્યા
કુલ 2 દિવસમાં લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી પહોંચ્યા :માતાજીના જયકારથી આખું અંબાજી ધામ ગૂંજી ઉઠ્યું

યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમ મહામેળાનો આજે બીજો દિવસ છે, જેમાં લાખો ભક્તો માતાજીના દર્શને ઉમટી રહ્યા છે. મેળાના આ બીજા દિવસે યાત્રિકોની સંખ્યા અને મંદિરની દાનની આવકમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે, મળતી માહિતી મુજબ, અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મેળાના પ્રથમ દિવસે 3.37 લાખ અને આજે બીજા દિવસે 4.25 લાખ મળીને કુલ 2 દિવસમાં લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી પહોંચ્યા છે. માતાજીના જયકારથી આખું અંબાજી ધામ ગૂંજી ઉઠ્યું છે અને ભક્તો અખંડ આસ્થા સાથે દર્શનનો લાભ લઈ રહ્યા છે.
ભાદરવી પૂનમ મેળા દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ વિતરણની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસની અંદર આશરે 8 લાખ ઉપરાંત મોહનથાળના પવિત્ર પ્રસાદના પેકેટનું સફળ વેચાણ થયું છે. આ ઉપરાંત, ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક ભોજન કેન્દ્રમાં 1 લાખથી વધુ માઈભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો છે અને મેડિકલ ટીમો દ્વારા દર્દીઓની સતત સારવાર કરવામાં આવી રહી છે.
ભાદરવી પૂનમ મેળાના બીજા દિવસે મંદિરની દાન ભેટની આવકમાં ઘટાડો નોંધાયો છે. પ્રથમ દિવસે 32.89 લાખ રૂપિયા જ્યારે આજે બીજા દિવસે 24.59 લાખ રૂપિયાની આવક થઈ હતી, જેથી 2 દિવસમાં કુલ 57.39 લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, પ્રથમ દિવસે મંદિરના શિખરે ૪૦૩ ધજાઓ ચઢી હતી જ્યારે આજે બીજા દિવસે 337 ધજાઓ નોંધાઈ છે. મેળાનો બીજો દિવસ સતત ગરમી અને ઉકળાટથી તપ્યો હતો, જેના કારણે વરસાદની આશા ફગાવી દેવાઈ છે અને ગરમીના પ્રકોપના લીધે ભક્તોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હોવાનું અનુમાન છે. આગામી તારીખ 22 અને 23 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે મંદિરના ચાચરચોક ખાતે ભવ્ય ડ્રોન શો યોજાશે, જેમાં સેંકડો ડ્રોન દ્વારા આકાશમાં માતાજીની વિવિધ પ્રતિકૃતિઓના આકર્ષક આકારો બનાવાશે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
