<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

વડોદરામાં સર્ચ ઓપરેશન : 200 બાંગ્લાદેશીઓના પુરાવાની ખરાઈ :ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ મળી આવ્યા

રાત્રીના દરમિયાન પોલીસે શહેરના ખૂણે ખૂણો તપાસી શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની શરૂઆત કરી

ગત રાતથી ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. તેવામાં વડોદરા પોલીસે શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ખરાઇ કરવાની પ્રક્રિયા ગત રાતથી હાથ ધરી છે. 

  વડોદરા પોલીસ દ્વારા ગત મોડી રાતથી ઓપરેશન બાંગ્લાદેશ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાત્રીના દરમિયાન પોલીસે શહેરના ખૂણે ખૂણો તપાસી શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની શરૂઆત કરી હતી. જેના પરિણામે અત્યાર સુધી શહેરમાંથી પોલીસે 200 બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમના જરૂરી પુરાવાની ખરાઇ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમની પાસે પુરતા આધાર પુરાવા છે, તેવા લોકોને પોલીસે ખરાઇ કરી મુક્ત કર્યા હતા. જ્યારે આ પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધી શહેરમાં ગેરકાયેદ વસવાટ કરતા 7 બાંગ્લાદેશીઓ મળી આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

 

શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી તેમના આધાર પુરાવા ચકાસવાની પ્રક્રિયા હાલ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહીં છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ અથવા તો બાંગ્લાદેશમાં તેમના સગા સંબંધીઓ રહેતા હોય અને તેમના સંપર્કમાં હોય તેવા પણ લોકો મળી આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સાંજ સુધીમાં આંકડા વધે તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે. શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા મળી આવેલા બાંગ્લાદેશીઓ કપુરાઇ અને બાપોદ વિસ્તારમાંથી મળી આવ્યાં હોવાની પણ જાણકારી મળી રહીં છે.

 

ઉલ્લેખનીય છે કે, ગત જુલાઇ, 2025ની શરૂઆતમાં પણ સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી તેમને ડીપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે શહેરમાંથી આશરે અઢીસો જેટલા બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરી હવાઇ માર્ગે પરત મોકલવામાં આવ્યાં હતા.

 

(2:04 PM IST)