તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીનો ગુજરાત પ્રવાસ: શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકો સાથે યોજાયો ઉચ્ચસ્તરીય શૈક્ષણિક સંવાદ
ગુજરાતના ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ અને ‘શાળા પ્રવેશોત્સવ’થી સ્કોટિશ ડેલિગેશન પ્રભાવિત: ભવિષ્યમાં શિક્ષણ, શિક્ષક તાલીમ અને સંશોધન ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા વિસ્તૃત વિચારણા

અમદાવાદ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સ્કોટલેન્ડ સરકાર વચ્ચે શૈક્ષણિક સંબંધો વધુ મજબૂત કરવાના હેતુથી સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીના નેતૃત્વમાં આવેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે આજે અમદાવાદ ખાતે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, ઉચ્ચ અધિકારીઓ અને શ્રેષ્ઠ શિક્ષકો સાથે એક વિશેષ શૈક્ષણિક સંવાદ બેઠક યોજી હતી. ૨૪ ઓક્ટોબરના રોજ આયોજિત આ મહત્વપૂર્ણ બેઠકમાં બંને દેશોની વર્તમાન શિક્ષણ વ્યવસ્થા, ટેક્નોલોજી આધારિત સુધારાઓ અને ભવિષ્યમાં સાથે મળીને કામ કરવાની સંભાવનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકના પ્રારંભે સ્કોટિશ ડેલિગેશન સમક્ષ ગુજરાતના શૈક્ષણિક પ્રવાહો અને સફળ મોડેલો અંગેનું વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ડેટા આધારિત નિર્ણયો લેવા માટે કાર્યરત 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' (VSK)ની વિઝ્યુઅલ અને ડેટા ડ્રિવન કામગીરીની માહિતી આપવામાં આવી હતી. સ્કોટલેન્ડના પ્રતિનિધિ મંડળે ગુજરાતની આ ટેક્નોલોજી આધારિત સંચાલન પ્રણાલીની મુક્ત મને પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર અને છેલ્લા બે દાયકાથી સફળતાપૂર્વક ચાલતાં 'શાળા પ્રવેશોત્સવ' અને 'કન્ટીન્યુ ટુ સ્કૂલ' અભિયાનની સરાહના કરવામાં આવી હતી. બેઠકમાં બ્રિટિશ કાઉન્સિલના સહયોગથી ચાલી રહેલા ગ્લાસગો-ગુજરાત ટીચર મોબિલિટી એક્સચેન્જ પ્રોગ્રામના અનુભવો પણ શેર કરવામાં આવ્યા હતા, જેમાં સહભાગી શિક્ષકોએ વૈશ્વિક શૈક્ષણિક પદ્ધતિઓ અને સંસ્કૃતિના આદાન-પ્રદાન અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
સંવાદ દરમિયાન સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ સ્કોટિશ શિક્ષણ પ્રણાલી, શાળાકીય તેમજ ટર્શરી એજ્યુકેશન અને સમાવેશી શિક્ષણ (Inclusive Education)ના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવા, શિક્ષકોની સતત તાલીમ (CPD) પ્રોગ્રામ્સ યોજવા તેમજ ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સંયુક્તપણે કામ કરવાની અસીમ તકો રહેલી છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે, સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. નાગરાજન, સ્કૂલ્સ જોઇન્ટ ડાયરેક્ટર તૃપ્તિ વ્યાસ, પ્રાઇમરી એજ્યુકેશન ડેપ્યુટી ડાયરેક્ટર બી. ડી. બારિયા, બ્રિટિશ કાઉન્સિલના ગૌરી પુરાણી, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી તેમજ સ્કોટલેન્ડ સરકારના હેડ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ તારા લાઇલ અને યુનિવર્સિટી ઓફ સ્ટર્લિંગના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર નેવિલ વાયલી સહિત રાજ્યભરના એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને વૈશ્વિક સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક સહયોગનો ઇતિહાસ રહ્યો છે. આ સફળ બેઠક બાદ હવે આગામી સમયમાં ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે શિક્ષકોની આપ-લે, સંયુક્ત સંશોધન કાર્યો અને નવીન શિક્ષણ નીતિઓ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ સંબંધિત કરારો વધુ ઝડપથી આગળ વધશે, જેનો સીધો લાભ રાજ્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળશે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
