તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ગુજરાત રાજ્યમાં કાળઝાળ હીટવેવનો પ્રકોપ યથાવત, 45 ડિગ્રી પાર જવાની આગાહી સાથે સાત જિલ્લામાં ઓરેન્જ અને અનેક શહેરોમાં યલો એલર્ટ જાહેર
સુરેન્દ્રનગરમાં પારો 44.3 ડિગ્રીએ પહોંચ્યો, અમદાવાદ 43.1 ડિગ્રી સાથે શેકાયું, કચ્છ, રાજકોટ, બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ગરમીનું જોર રહેશે, હવામાન વિભાગે બહાર ન નીકળવાની સલાહ આપી

ગાંધીનગર, તા. 11 : ગુજરાત આ દિવસોમાં અગનજ્વાળા પર શેકાઈ રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે પહોંચી ગયું છે અને હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી કાળઝાળ હીટવેવ યથાવત રહેવાની આગાહી કરી છે. IMDએ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પારો 45 ડિગ્રીને પાર જવાની ચેતવણી આપી છે.
ક્યાં કેટલી ગરમી અને કેવા એલર્ટ?
શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ 43.1 ડિગ્રી અને કંડલા એરપોર્ટ 43 ડિગ્રી સાથે શેકાયા હતા. હવામાન વિભાગે 9 મે માટે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 10થી 13 મે દરમિયાન બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, પોરબંદર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓને પણ યલો એલર્ટ હેઠળ આવરી લેવાયા છે. 14 મેના રોજ બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેશે.
અમદાવાદમાં પણ ભીષણ ગરમી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCએ હીટ એક્શન પ્લાન હેઠળ શહેર માટે બે દિવસ ઓરેન્જ એલર્ટ અને પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કર્યા છે. શહેરમાં મહત્તમ તાપમાન 42થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. AMCએ શહેરમાં 45 હીટ હોટસ્પોટ ઓળખી કાઢ્યા છે અને નાગરિકોને બપોરે 12થી 5 વાગ્યા સુધી બહાર ન નીકળવા, પાણી, લીંબુ શરબત, છાશ અને નારિયેળ પાણી પીવાની સલાહ આપી છે.
કેમ છે આટલી ગરમી?
IMDના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદ 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજસ્થાનના બાડમેરમાં 10 મેના રોજ 46.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 11થી 14 મે દરમિયાન હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. ગરમ રાત્રિની સ્થિતિ પણ 14 મે સુધી રહેવાની શક્યતા છે.
સાવચેતી જરૂરી
હવામાન વિભાગે નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા, માથું ઢાંકીને નીકળવા અને વધુમાં વધુ પ્રવાહી લેવાની સલાહ આપી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ તકેદારી રાખવી જરૂરી છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
