<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રાજ્યના ચાર જિલ્લાઓમાં તબીબી શિક્ષણનો વ્યાપ વધશે : ખેડા, મહીસાગર, બોટાદ અને ગીર-સોમનાથમાં નવી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજોને મંજૂરી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી તબીબી શિક્ષણની બેઠકો વધશે અને ગ્રામ્ય તથા અંતરિયાળ વિસ્તારોમાં આધુનિક આરોગ્ય સેવાઓ સુદૃઢ બનશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં તબીબી શિક્ષણનો વ્યાપ વિસ્તારવા અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ ખેડા, મહીસાગર, બોટાદ અને ગીર-સોમનાથ જિલ્લાની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને ત્યાં આધુનિક સુવિધાઓથી સજ્જ બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો સ્થાપવા માટે સંબંધિત સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે.

ચાર જિલ્લાઓમાં સંસ્થાઓ દ્વારા મેડિકલ કોલેજોનું નિર્માણ:
જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ના ધોરણે શરૂ થનારી આ યોજના અંતર્ગત ચાર જિલ્લાઓમાં નવી કોલેજો અને હોસ્પિટલો વિકસાવવામાં આવશે:

 * ખેડા જિલ્લો: શ્રી ગયાપ્રસાદ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરાશે.

 * મહીસાગર જિલ્લો: શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ, કલોલ (સ્વામિનારાયણ યુનિવર્સિટી) દ્વારા મેડિકલ કોલેજ સ્થપાશે.

 * ગીર-સોમનાથ જિલ્લો: શ્રી ચાણક્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વેરાવળ દ્વારા કોલેજનું નિર્માણ થશે.

 * બોટાદ જિલ્લો: ડેલ્ટા મિલેનિયમ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ, ભડિયાદ (મોરબી) દ્વારા આધુનિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિકસાવવામાં આવશે.

ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ:
આ અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને પોતાના જ જિલ્લામાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ તબીબી સારવાર મળી રહે અને સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા વધે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ ચાર મેડિકલ કોલેજો શરૂ થવાથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉત્તમ આરોગ્ય સેવાઓનો વ્યાપ વ્યાપક બનશે અને સ્થાનિક સ્તરે તબીબી શિક્ષણની બેઠકોમાં વધારો થશે.

નિઃશુલ્ક સેવાઓ અને દર્દીલક્ષી શરતો:
પસંદગી પામેલી સંસ્થાઓએ સંબંધિત હોસ્પિટલોમાં નાગરિકોને હાલ આપવામાં આવતી તમામ નિઃશુલ્ક સુવિધાઓ અનિવાર્યપણે યથાવત રાખવાની રહેશે. આ ઉપરાંત:
 * સગર્ભા મહિલાઓને પ્રસૂતિ બાદ તેમજ ૨૦ દિવસથી એક વર્ષ સુધીનાં બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવી પડશે.
 * ડાયાલિસિસ સેવાઓ માટે ઓછામાં ઓછા ૧૦ પથારી ધરાવતું યુનિટ કાર્યરત કરવું પડશે.
 * ટ્રોમા અને અકસ્માતના દર્દીઓને તાત્કાલિક નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાની રહેશે.

દર્દીલક્ષી સેવાઓનું સુચારુ સંચાલન અને આયોજન સુનિશ્ચિત કરવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નવી ‘રોગી કલ્યાણ સમિતિ’ની રચના પણ કરવામાં આવશે.

(6:02 PM IST)