તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
ધોલેરાના ટાટા સેમીકન્ડક્ટર પ્લાન્ટની વિજ્ઞાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી મુલાકાત : પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી રોજગાર અને ઔદ્યોગિક વિકાસની ચર્ચા
ભારતની ડિજિટલ ક્રાંતિને નવી દિશા આપનાર ધોલેરા SIRના મહત્વકાંક્ષી સેમીકન્ડક્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કરી ટાટા ટીમ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા

ધોલેરા, અમદાવાદ તા.૧૮ : ભારતના સેમીકન્ડક્ટર મિશન હેઠળ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ખાતે આકાર લઈ રહેલા દેશના પ્રતિષ્ઠિત 'ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમીકન્ડક્ટર પ્લાન્ટ'ની આજે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિશેષ મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટને દેશના ઔદ્યોગિક નકશા પર ગેમ-ચેન્જર પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે.
મંત્રીશ્રીએ પ્લાન્ટ સાઇટ પર પહોંચીને ચાલી રહેલા બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી અને આગામી સમયમાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ક્યારે કાર્યરત થશે તે અંગે ટાટા ઇલેક્ટ્રોનિક્સની ટીમ સાથે ચર્ચા કરી હતી.
મુલાકાત દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમીકન્ડક્ટર પ્લાન્ટની મેનેજમેન્ટ ટીમ અને એન્જિનિયર્સ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ તકે તેમણે જણાવ્યું કે ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સ્થપાઈ રહેલો આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ ભારતમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિને નવી દિશા આપશે. તેમણે સ્થાનિક સ્તરે રોજગારીની વ્યાપક તકો ઊભી કરવા અને આસપાસના વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપવા અંગે પણ હકારાત્મક ચર્ચા કરી હતી.
ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ.ના સીઇઓ અને એમડી ડૉ. રણધીર ઠાકુરની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય ટીમે મંત્રીશ્રીની મુલાકાતને આવકારી હતી. ટીમે દેશ તેમજ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં માઇલસ્ટોન સમાન આ પ્રોજેક્ટને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પક્ષ પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, સ્થાનિક સરપંચ તથા અન્ય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે આ પ્રોજેક્ટથી ધોલેરા અને આસપાસના વિસ્તારના સર્વાંગી વિકાસની આશા વ્યક્ત કરી હતી.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
