News of Tuesday, 28th July 2026
ભરૂચમાં નકલી ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ
નકલી સીએસસી સેન્ટરની આડમાં બનાવટી દસ્તાવેજો, નગરસેવકના લેટરપેડ અને રબર સ્ટેમ્પનો ઉપયોગ

ભરૂચ જિલ્લામાં સીએસસી સેન્ટરની આડમાં ચાલી રહેલા એક મોટા અને ગંભીર ગેરકાયદેસર કારસ્તાનનો પર્દાફાશ થયો છે, ભરૂચના કેટલાક નકલી સીએસસી સેન્ટરો ખોલીને બનાવટી અને નકલી દસ્તાવેજોના આધારે ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું, જેને મીડિયા ટીમે પોતાના ઓપરેશન દ્વારા ખુલ્લું પાડ્યું છે.
રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યું છે કે, ભરૂચના પૃથ્વી માર્કેટમાં આદિવાસીના લાઈટ બિલ અને ભાજપ ના સ્થાનિક નગરસેવકના બનાવટી લેટરપેડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ચૂંટણી કાર્ડ બનાવી આપવામાં આવતું હતું. આ ઉપરાંત, ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે જમીલા પટેલ નામની વ્યક્તિ દ્વારા રૂ. 1,000 લઈને નકલી દસ્તાવેજોના આધારે જ આધારકાર્ડ બનાવી આપવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું.
તપાસમાં બહાર આવ્યા મુજબ, સીએસસી સેન્ટરના મુખ્ય સંચાલકો અન્ય અજાણ્યા લોકોને કમિશન કે લાલચ આપીને અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર ઓફિસો ખુલ્લાવી રહ્યા છે. આ કૌભાંડમાં નગરસેવક અને ગ્રામ પંચાયત ના સભ્યોના બોગસ લેટરપેડ તેમજ રબર સ્ટેમ્પનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર કમાણી કરવા માટે ચલાવાતા આ ગોરખધંધાના કારણે સામાન્ય નાગરિકો ભોગ બની રહ્યા છે.
આવા નકલી અને બનાવટી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરાવીને અરજદારોને ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ અને જેલ ભેગા કરવાની પેરવી કરવામાં આવી રહી છે. ઓળખપત્રોના સુરક્ષા માપદંડો સાથે ખિલવાડ કરતા આ કૌભાંડનો વિડીયો અને અહેવાલ સામે આવતાં જ ભરૂચ જિલ્લા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તંત્ર દ્વારા આ મામલે કડક તપાસ કરી દોષિતો સામે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરાઈ છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
