News of Saturday, 11th July 2026
સયાજી હોસ્પિટલની માનવતા મરી પરવારી: ફ્રેક્ચરવાળા દર્દીને વ્હીલચેર ન મળી, પરિવારજનો ખભે ટેકો આપી ૨૦૦ મીટર સુધી ચલાવવા મજબૂર!
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું અમાનવીય વલણ; એક્સ-રે વિભાગથી ઇમરજન્સી સુધી દર્દીની અગ્નિપરીક્ષા, આરએમઓ (RMO) એ તપાસના આદેશ આપ્યા

વડોદરા : વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ (SSG Hospital) ફરી એકવાર પોતાની વહીવટી લાપરવાહી અને સંવેદનહીનતાના કારણે વિવાદના વંટોળમાં ફસાઈ છે. પંચમહાલ જિલ્લાના નાજકુવા ગામથી સારવારની આશા લઈને આવેલા એક ગરીબ દર્દી સાથે હોસ્પિટલના સ્ટાફે જે વર્તન કર્યું છે, તે માનવતાને શરમમાં મૂકી દે તેવું છે. ગંભીર ફ્રેક્ચરના કારણે જે દર્દી એક ડગલું પણ ભરવા અસમર્થ હતો, તેને વ્હીલચેર કે સ્ટ્રેચર આપવાને બદલે હોસ્પિટલના જવાબદાર સ્ટાફે તેને રઝળતો મૂકી દીધો હતો.
૨૦૦ મીટરની અગ્નિપરીક્ષા: દર્દીને પગ ઘસડીને ચાલવું પડ્યું
દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, એક્સ-રે પડાવ્યા બાદ જ્યારે દર્દીને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવા માટે સ્ટ્રેચરની માંગણી કરી, ત્યારે ત્યાં હાજર સ્ટાફે તેમને સાફ ના પાડી દીધી હતી. નિયમ મુજબ, આવી સ્થિતિમાં હોસ્પિટલ તંત્ર દર્દીને વ્હીલચેર કે સ્ટ્રેચર પૂરું પાડવા બંધાયેલું છે. વારંવારની વિનંતીઓ અને કાલાવાલા કરવા છતાં જ્યારે કોઈ સુવિધા ન મળી, ત્યારે લાચાર પરિવારે પોતાના સ્વજનને ખભાનો ટેકો આપીને એક્સ-રે વિભાગથી લઈને ઇમરજન્સી વોર્ડ સુધી લગભગ ૨૦૦ મીટરનું અંતર પગ ઘસડીને કાપવા મજબૂર થવું પડ્યું હતું.
અસહ્ય દુખાવાથી કણસતા દર્દી અને તેને લાચારીથી લઈ જતા પરિવારના આ દ્રશ્યો જોઈને ત્યાં ઉપસ્થિત અન્ય લોકોનું પણ હૃદય દ્રવી ઉઠ્યું હતું અને હોસ્પિટલ તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
શું આદેશો માત્ર કાગળ પર? તપાસના નામે લીપાપોતી?
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને મીડિયામાં ભારે ચર્ચા જાગતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. SSG હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. હિતેન્દ્ર ચૌહાણે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને સ્વીકારીને તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "દર્દીઓ સાથે આવી બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ કિસ્સામાં જવાબદાર વોર્ડ બોય કે જે કોઈ સ્ટાફ હશે, તેની સામે કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે."
પરંતુ સવાલ એ થાય છે કે, શું આવા આદેશો માત્ર કાગળ પર રહી જશે? શું સયાજી હોસ્પિટલની આ 'સંવેદનહીન' છબી બદલાશે? ગરીબ દર્દીઓ માટે હોસ્પિટલ એ આશાનું કેન્દ્ર હોય છે, પણ જો ત્યાં જ માનવતા મરી પરવારે તો દર્દીઓએ ક્યાં જવું? હવે જોવાનું એ છે કે વહીવટી તંત્ર આ બાબતે કોઈ કાયમી સુધારા કરે છે કે આ ઘટનાને પણ અન્ય કિસ્સાઓની જેમ ફાઈલોમાં દબાવી દેવામાં આવશે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
