<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ચોમાસુ વિદાયના આરે પણ સૌરાષ્ટ્ર-કચ્‍છ તરસ્‍યું: ૮ જિલ્‍લામાં પાણીની ભારે અછત

વરસાદ ન આવતાં ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે ખેતરોમાં પાક સુકાવા લાગ્‍યાઃ જો હજુ વરસાદ નહીં આવે તો શિયાળુ પાક પર પણ સંકટ છવાશે : આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડ્‍યોઃ કેટલાક જિલ્‍લામાં તો માત્ર નહીવત વરસાદ પડ્‍યોઃ સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં પાણીની અછત સર્જાવા લાગી

અમદાવાદ તા.૧૦: ૨૦૨૬ના ચોમાસાની વિદાય નજીક આવી રહી છે... પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્‍છ માટે ચોમાસું હજુ પણ અધૂરું જ રહ્યું છે. વરસાદની અનિયમિતતા હવે ખેડૂતો માટે મોટી ચિતાનું કારણ બની છે. ખરીફ પાક સુકાઈ રહ્યો છે... જળાશયો ખાલી થઈ રહ્યા છે... અને હવે ખેડૂતોની આશા વરસાદ કરતાં વધુ સૌની યોજનાના પાણી પર ટકી છે. જુઓ આ ખાસ અહેવાલ...

ચોમાસાની શરૂઆતથી જ વરસાદે સંતાકૂકડી રમી... અને હવે અંતિમ તબક્કામાં પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્‍તારોમાં વરસાદે નિરાશા જ આપી છે. દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્‍છમાં ઓછા વરસાદની સીધી અસર ખરીફ પાક પર જોવા મળી રહી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને સુરેન્‍દ્રનગરમાં પણ ખેતરોમાં ઉભેલા પાક સામે સંકટ ઊભું થયું છે.

વરસાદની અછત માત્ર ખેતરો પૂરતી સીમિત નથી... અનેક ડેમ, તળાવો અને નદીઓમાં પાણીનું સ્‍તર પણ સતત ઘટી રહ્યું છે. જો જળાશયોમાં પૂરતું પાણી નહીં પહોંચે તો આગામી રવિ સીઝન માટે પણ ખેડૂતો સામે પાણીની ગંભીર સમસ્‍યા ઊભી થઈ શકે છે.

જૂનાગઢ જિલ્‍લામાં સવા બે લાખ હેક્‍ટરથી વધુ વિસ્‍તારમાં મગફળીનું વાવેતર થયું છે. હાલ મગફળીમાં દાણા બનવાનો મહત્‍વનો તબક્કો ચાલી રહ્યો છે... જ્‍યાં પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. ખેડૂતો ફુવારા અને સિચાઈના અન્‍ય સાધનો દ્વારા બે-ત્રણ દિવસે પાણી આપીને પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ઘણા વિસ્‍તારોમાં મગફળી અને સોયાબીનના પાકની સ્‍થિતિ ચિતાજનક બની ગઈ છે. ખેતીવાડી અધિકારીઓએ પણ કેટલાક તાલુકાઓમાં પરિસ્‍થિતિ ગંભીર હોવાનું સ્‍વીકારી સરકારને અહેવાલ મોકલ્‍યાનો દાવો કર્યો છે.

બીજી તરફ નર્મદા ડેમમાં અંદાજે ૮૫થી ૯૦ ટકા પાણીનો સંગ્રહ છે. તેથી હવે ખેડૂતોની નજર સૌની યોજના પર છે. જો કેનાલ મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણી છોડવામાં આવે તો હાલના પાકને મોટી રાહત મળી શકે છે

હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર પૂર્વ અને મધ્‍ય ભારતના રાજ્‍યોમાં વરસાદ લાવી શકે છે... પરંતુ ગુજરાતમાં આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદની શક્‍યતા ઓછી છે. સામાન્‍ય રીતે સપ્‍ટેમ્‍બરના બીજા સપ્તાહથી ચોમાસાની વિદાય શરૂ થતી હોય છે. ત્‍યારે હવે ખેડૂતોની નજર આકાશ તરફ છે... અને આશા સૌની યોજનાના પાણી પર. કારણ કે, જો હવે વરસાદ કે પાણી નહીં મળે... તો માત્ર ખરીફ જ નહીં, રવિ સીઝન પણ મુશ્‍કેલીમાં મુકાઈ શકે છે

(3:29 PM IST)