તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને રાષ્ટ્રીય કક્ષાનો ‘પંચાયત રત્ન-૨૦૨૬’ એવોર્ડ એનાયત
ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર પસંદગી : ઉત્તરપ્રદેશના આઝમગઢ ખાતે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગામમાં હાથ ધરેલા ઉત્કૃષ્ટ વિકાસકાર્યો બદલ મળ્યું ગૌરવપૂર્ણ સન્માન

ઉમરાળા:ગ્રામ વિકાસ, લોકભાગીદારી અને પંચાયતી રાજ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને પ્રતિષ્ઠિત ‘પંચાયત રત્ન-૨૦૨૬’ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આ એવોર્ડ માટે ઉમરાળા ગ્રામ પંચાયતની એકમાત્ર પસંદગી કરવામાં આવી હતી, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.
ગાંધી જયંતીના પાવન અવસરે ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતે 'ગ્રામીણ સત્તા પંચાયતી રાજ સંગઠન' દ્વારા એક ભવ્ય રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગ્રામીણ વિકાસ તેમજ પંચાયતી રાજ ક્ષેત્રે નોંધપાત્ર અને મોડેલ કામગીરી કરનાર પસંદગી પામેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય મંચ પરથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને ‘પંચાયત રત્ન-૨૦૨૬’ સન્માન પ્રદાન કરી વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસના વિવિધ ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલી પ્રગતિશીલ કામગીરી, લોકભાગીદારી આધારિત અભિગમ તેમજ ગ્રામજનોના નિરંતર સહયોગને ધ્યાને રાખીને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
આ ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત કર્યા બાદ સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે હૃદયપૂર્વકનો ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ સન્માન માત્ર મારું વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર ઉમરાળા ગામનું સન્માન છે. ગામના દરેક નાગરિકે ડગલે ને પગલે આપેલા સાથ, સહકાર અને અખૂટ વિશ્વાસના કારણે જ આજે ઉમરાળા ગ્રામ પંચાયતને દેશના નકશા પર એક આગવી ઓળખ મળી છે." આ સાથે જ તેમણે ગામના તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
