<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

દાહોદના આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારીયા રૂ. ૫૦ હજારની લાંચ લેતા આબાદ ઝડપાયા : વડોદરા એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈ અને મદદનીશ નિયામક બી.એમ.પટેલના માર્ગદર્શનમાં ગોધરા એસીબીના પીઆઈ એચ.પી.કરેણની ટીમે સફળ ટ્રેપ ગોઠવી : જુઓ વિડીયો

ખેતરમાંથી પકડાયેલા વિદેશી દારૂનો કેસ પતાવી દેવા વચેટિયા તરીકે સરપંચે લાંચ માંગી દેવગઢબારીયા તાલુકા પંચાયત સામે તળાવ પાસેથી પકડાયા : પંચમહાલ એકમ એસીબીની કાર્યવાહીથી લાંચિયા તત્વોમાં ફફડાટ

 દેવગઢબારીયા, ૮ જુલાઈ:  દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારીયા (ઉંમર વર્ષ ૪૮, ધંધો-ખેતી, રહે. મોટા ફળીયા, આંકલી ગામ) રૂ. ૫૦,૦૦૦/- ની લાંચ લેતા લાંચ રૂશ્વંત વિરોધી બ્યુરો (ACB) ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોધરા એસીબીની ટીમે દેવગઢબારીયા તાલુકા પંચાયતની સામે તળાવ પાસેથી સમડી સર્કલ તરફ જતા રોડ ઉપર છટકું ગોઠવીને આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે લાંચની રૂ. ૫૦,૦૦૦/- ની સંપૂર્ણ રકમ આરોપી પાસેથી રિકવર કરી લીધી છે.

 

આ ચકચારી ગુનાની વિગત એવી છે કે, આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમના ખેતરમાંથી આજથી આશરે પંદરેક દિવસ પહેલા પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ પોલીસ રેડ વખતે ફરિયાદી પોતાના ઘરે હાજર મળી આવ્યા ન હતા. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે આંકલી ગામના સરપંચ રમેશભાઈ બારીયાએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. સરપંચે ફરિયાદીને જણાવ્યું હતું કે, તારા ખેતરમાંથી પોલીસે ઇંગ્લીશ દારૂ પકડેલો હોવાથી આ કેસ પૂરો કરવા માટે તારે પોલીસને પૈસા આપવા પડશે. પોતે આ મામલામાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવીને આખો કેસ પતાવી દેશે તેમ કહી સરપંચે રૂ. ૫૦,૦૦૦/- ની માંગણી કરી હતી અને મામલો થાળે પાડવાનું નક્કી કર્યું હતું.

 

જો કે, જાગૃત નાગરિક એવા ફરિયાદી આ કામ માટે લાંચના નાણાં આપવા સહેજ પણ માંગતા ન હતા. જેથી તેઓએ લાંચ રૂશ્વંત વિરોધી બ્યુરો (એસીબી) નો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા દેવગઢબારીયા ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મુજબ, જ્યારે ફરિયાદી પાસેથી આરોપી સરપંચ રમેશભાઈ બારીયાએ ઇંગ્લીશ દારૂનો કેસ પતાવી દેવાની હેતુલક્ષી વાતચીત કરીને વચેટિયા તરીકે રૂ. ૫૦,૦૦૦/- સ્વીકાર્યા, તે જ સમયે એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ પકડી પાડી ગુનો નોંધ્યો હતો.

 

આ સમગ્ર સફળ ટ્રેપની કામગીરી વડોદરા લાંચ રૂશ્વંત વિરોધી બ્યુરોની કચેરીના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક બળદેવ દેસાઈ IPS તેમજ એસીબી પંચમહાલ એકમ ગોધરાના મદદનીશ નિયામક બી.એમ.પટેલના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. આ ઓપરેશનને ગોધરા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી.કરેણ તથા તેમના એસીબી સ્ટાફે સફળતાપૂર્વક અંજામ આપીને સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:22 PM IST)