News of Sunday, 26th July 2026
સરદાર સરોવર ડેમની જળસપાટી પ્રથમ વખત 128 મીટર પાર; ચોમાસામાં પાણીના સંગ્રહે પકડી ગતિ
ચાલુ ચોમાસા દરમિયાન પ્રથમ વખત ડેમની જળસપાટી 128 મીટરને પાર પહોંચી હોવાથી જળસંગ્રહમાં નોંધપાત્ર સુધારો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા નદીના ઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદની સીધી અસર સરદાર સરોવર નર્મદા ડેમ પર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો નોંધાતા હાલ સપાટી 128.38 મીટર સુધી પહોંચી છે. ચાલુ ચોમાસા દરમિયાન પ્રથમ વખત ડેમની જળસપાટી 128 મીટરને પાર પહોંચી હોવાથી જળસંગ્રહમાં નોંધપાત્ર સુધારો થયો છે.
સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. હાલમાં ડેમમાં 6,550.81 મિલિયન ક્યુબિક મીટર (MCM) ગ્રોસ સ્ટોરેજ ઉપલબ્ધ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલું છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે આગામી દિવસોમાં પાણીના સંગ્રહમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં ડેમમાં 50,263 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસના વરસાદ ઉપરાંત મધ્યપ્રદેશના વિવિધ ડેમોના પાવર હાઉસમાંથી છોડવામાં આવતા પાણીના કારણે આવકમાં વધારો નોંધાયો છે. બીજી તરફ ડેમમાંથી નર્મદા નદીમાં 620 ક્યુસેક અને નર્મદા મુખ્ય કેનાલમાં 1,785 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ 2,405 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ડેમની જળસપાટીમાં કેટલો વધારો થશે તે હવે નર્મદા નદીના ઉપરવાસમાં પડનારા વરસાદ પર નિર્ભર રહેશે. જો કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ યથાવત રહેશે તો ડેમનો જળસંગ્રહ વધુ મજબૂત બનશે, જે રાજ્યમાં પીવાના પાણી, સિંચાઈ અને વીજ ઉત્પાદન માટે લાભદાયી સાબિત થશે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
