News of Saturday, 25th July 2026
સાંતલપુર મેઘરાજાની અત્યંત વિસ્ફોટક બેટિંગ:ટૂંકાગાળામાં ધોધમાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો :ધારાસભ્યનું ગામ બેટમાં ફેરવાયું
અતિભારે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ: અતિશય વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું

ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ શરુ થયું છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર મેઘરાજાએ અત્યંત વિનાશક બેટિંગ કરી છે. સાંતલપુર શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ટૂંકા સમયમાં ધોધમાર 15 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અતિશય વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે આ ભારે ખાનાખરાબી વચ્ચે સ્થાનિક ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોરનું વતન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તેમનું ગામ વરસાદી પાણીથી ઘેરાઈ જતાં અરસપરસ સંપર્ક કપાઈ ગયો છે અને તે સંપૂર્ણપણે બેટમાં ફેરવાયું છે.
આ ઉપરાંત સાંતલપુરનું પરસુંદ ગામ પણ ચારે બાજુથી પાણીમાં ફસાઈ જતાં બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના રસ્તાઓ અને શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખાવા-પીવા અને રહેવાની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
