News of Wednesday, 8th July 2026
સુરતમાં સાંબેલાધાર આફત : સ્માર્ટ સિટી ભ્રષ્ટાચારના પાણીમાં ડૂબ્યુ : અમિત ચાવડાના ભાજપ સરકાર પર તીખા પ્રહારો
કરોડોના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખુલી : પહેલો જ વરસાદ સુરતીઓ માટે મુસીબતનો પૂર લઈને આવ્યો : વિકાસના બણગાં ફૂંકતા શાસકોના પાપે જનતા ત્રસ્ત

સુરત, તા. ૮ : દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં પડેલા ભારેથી અતિભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની કામગીરીની પોલ ખોલી નાખી છે. સાંબેલાધાર વરસાદને કારણે ડાયમંડ સિટી સુરત પાણી-પાણી થઈ ગયું છે. જેના પગલે સર્જાયેલી ભારે આફત અને અરાજકતાની સ્થિતિને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર લાઈવ થઈને તેમણે સુરતની વર્તમાન પરિસ્થિતિ માટે ભાજપના શાસકોના ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટને જવાબદાર ઠેરવ્યો છે.
રાજકોટ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુરતના જળબંબાકારની સ્થિતિ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીના નામે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ વાપરવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ આખું શહેર બેટમાં ફેરવાઈ જાય છે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે, જેના કારણે આજે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
અમિત ચાવડાએ ભાજપ સરકારને આડેહાથ લેતા કહ્યું કે, ભાજપના નેતાઓ માત્ર મોટા-મોટા પ્રવાચનો અને વિકાસના નકલી બણગાં ફૂંકવામાં માહિર છે. જ્યારે જનતા પૂર, પાણી ભરાવા અને ટ્રાફિક જામ જેવી આફતોનો સામનો કરી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષ માત્ર હેડલાઈન્સ અને ઉત્સવોમાં વ્યસ્ત છે. ગટર લાઈનોની સફાઈ અને ડ્રેનેજ સિસ્ટમ્સ પાછળ થયેલા કરોડો રૂપિયાના ખર્ચનો હિસાબ જનતા માંગી રહી છે.
ભારે વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકોના રોજગાર અને વેપાર-ધંધાને મોટું નુકસાન પહોંચ્યું છે. અમિત ચાવડાએ માંગ કરી છે કે સરકારે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરવી જોઈએ અને ભ્રષ્ટાચારી બાબુઓ તેમજ નેતાઓ સામે કડક પગલાં લેવા જોઈએ. આ લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
